મુંબઇ. પોખરણ-2ની વર્ષગાંઠ નિમિતે ભુત પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામે જણાવ્યું હતું કે, ભુતપૂર્વ વડાપ્રધાન વાજપૈયીએ સત્તા પ્રાપ્ત કર્યાના અઠવાડિયામાં જ પોખરણ-2ની મંજૂરી આપીને એક સાહસનો પરિચય આપ્યો હતો એમ કહીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમની ભરપૂર પ્રશંસા કરી હતી.
અબ્દુલ કલામે રાજસ્થાનમાં 'શકિત' શ્રેણીના અણુક્ષમતા પરીક્ષણની દસમી વર્ષગાંઠ નિમિત્તે ભાભા અણુ સંશોધન કેન્દ્રમાં યોજાયેલા સમારંભમાં પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, "વાજપૈયીએ વડા પ્રધાન પદની સત્તા સંભાળ્યા બાદ એક અઠવાડિયામાં જ અણુ ક્ષેત્રે ભારતના કૌશલ્યને પ્રસ્થાપિત કરવા માટે પોખરણમાં ધડાકો કરવાની પરવાનગી અમને આપી હતી."
તે સમયે કલામે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીફેંસ રિસર્ચ એંડ ડેવલપમેંટ ઓર્ગેનાઇઝેશનના(ડીઆરડીઓ)વડા તરીકે થારના રણપ્રદેશમાં પખવાડિયું રોકાઇને પોખરણ-2 વિસ્ફોટોની કાર્યવાહી પર નજર રાખી હતી. એ અણુ પ્રયોગ દેશનાં ઇતિહાસ માટે નિણાર્યક ક્ષણ બની ગયો હતો. વર્ષ 1991માં દેશમાં આર્થિક ઉદારીકરણ અપનાવવાના નિર્ણય બાદ એ બીજો મહત્ત્વનો નિર્ણય હતો.
પાંચ અણુ વિસ્ફોટો માટેની મુખ્ય ટુકડીના બીજા એક સભ્ય અને એ વખતના અણુ ઊર્જા પંચના અઘ્યક્ષ આર. ચિદંબરમે એ સુખદ સ્મૃતિઓ તાજી કરતાં જણાવ્યું હતું કે "11મે 1988ના દિવસે અમે અનુભવેલા આનંદ અને ઉત્તેજનાના થનગનાટને હજુ પણ યાદ કરીએ છીએ. યોગાનુયોગ એવો હતો કે 1974ની સાલમાં પોખરણમાં પ્રથમ અણુવિસ્ફોટ કરાયો એ દિવસે બુદ્ધ પૂર્ણિમાં હતી અને 11મે-1998ના દિને પણ બુદ્ધ પૂર્ણિમા હતી."
ભાભા અણુ સંશોધન કેન્દ્રે કલામને બોંસાઇ વટ વૃક્ષ નીચે હંસલા બુદ્ધની મૂર્તિ ધરાવતું સ્મૃતિચિહ્ન ભેટરૂપે આપ્યું હતું. વર્ષ 1974માં અણુપ્રયોગ પરીક્ષણ સફળ થવાની જાહેરાત માટે વિજ્ઞાનીઓએ "બુદ્ધા હેઝ સ્માઇલ્ડઝ" (બુદ્ધે સ્મિત કર્યું) એવા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. કલામને સુપરત કરાયેલા સ્મૃતિચિહ્ન વિશે ટિપ્પણ કરતાં ભાભા અણુ સંશોધન મથકના નિયામક એસ. બેનર્જીએ જણાવ્યું હતું કે "બુદ્ધના ચહેરા પર સ્મિતના ઘણા અર્થો છે."
ભારત અને અમેરિકા વચ્ચે નાગરિકોપયોગી પરમાણુ કરારની તરફેણ કરતાં એપીજે અબ્દુલ કલામે જણાવ્યું હતું કે, "દેશે ભવિષ્યમાં પણ અણુશકિત માટે અન્ય દેશો પર આધાર રાખવો પડશે. એ માટે આપણને યુરેનિયમના પુરવઠાની જરૂર પડશે. ભારત અને અમેરિકા વરચે અણુકરાર થતા એ પુરવઠો મળતો રહેશે. આપણે હાલમાં અણુશકિત દ્વારા 3900 મેગાવોટ વીજળીના ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ધરાવીએ છીએ. એ ક્ષમતાને વર્ષ 2012 સુધીમાં 7160 મેગાવોટ સુધી અને વર્ષ 2020 સુધીમાં 24000 મેગાવોટ સુધી લઇ જવાનું અણુ ઊર્જા વિભાગનું આયોજન છે." તેમણે વીજળી ઉત્પાદન માટે બિનપરંપરાગત અને નવીનીકરણ ફામ સાધનો તેમજ અણુ ઊર્જાના સાધનોના ઉપયોગ પર ભાર મૂકતાં અશ્મિભૂત સાધનો પર આધાર રાખવાનું વલણ ઘટાડવાની તરફેણ કરી હતી.
અણુઊર્જા વિભાગના અધિકારી અનીસ કાકોડકરે છેલ્લે જણાવ્યું હતું કે, યુરેનિયમ એકસપ્લોરેશન માટે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કણાટર્ક, મેઘાલય અને અન્ય પ્રાંતો તરફ નજર દોડાવાઈ રહી છે અને યુરેનિયમ અન્વેષણ માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા રૂપિયા 700 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.
|