નવી દિલ્હી. એક અજાણ્યા આતંકવાદી જૂથ "ઇન્ડિયન મુજાહીદ્દીને" એક ખાનગી ચેનલને ગઇકાલ રાત્રે એક ઇ-મેલ મોકલીને જયપુરના ઘાતક બોમ્બ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી હતી અને આ ઇ-મેલ સાથે કેટલીક વિડીયો ક્લીપીંગ પણ મોકલી છે જે બોમ્બ વિસ્ફોટો થયા તે પહેલાની હોવાનું મેલમાં જણાવાયું છે. આ ક્લીપીંગમાં જે સાઈકલ પર બેગ મૂકીને તેમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો તે અંગેના ફૂટેજ છે.
આ વીડિયો બુધવારે રાત્રે એક ખાનગી ટીવી ચેનલને મોકલી આપવામાં આવ્યો હતો. આ ઈ-મેલમાં આ આતંકવાદી જૂથે ભારત સામે ખુલ્લેઆમ યુધ્ધની જાહેરાત કરી છે. આ ઉપરાંત જે સાઈકલોનો ઉપયોગ બોમ્બ વિસ્ફોટોમાં કરવામાં આવ્યો હતો તેમાની એકના ફ્રેમ પર લખેલ નંબર 129489 પણ દર્શાવ્યો છે. આ સાઈકલ કોટવાલી પાસે છોટી ચોપાડમાં બોમ્બ વિસ્ફોટમાં વપરાઈ હતી તેવું આ આતંકવાદી જૂથનું ઈ-મેલ દ્વારા જણાવ્યું છે.
આ રહસ્યમય ઈ-મેલ "guru_alhindi_jaipur@yahoo.Co.Uk"નામના મેલ આઈડી પરથી ખાનગી ચેનલને કરવામાં આવ્યો હતો. તેમણે મોકલાવેલ 3 વીડિયો ફૂટેજમાં વિસ્ફોટ થયા તે પહેલાની વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલ સાઈકલ, બોમ્બ અને જે થેલીમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો તે થેલી બતાવવામાં આવી છે.
ઇ-મેલમાં આતંકવાદીઓએ જ્યાં સુધી ભારત અમેરિકા અને યુનાઈટેડ કિંગડમને આંતરરાષ્ટ્રીય મુદ્દે સમર્થન આપવાનું બંધ નહી કરે ત્યા સુધી ભારત સામે ખુલ્લેઆમ યુધ્ધની જાહેરાત કરી છે.
આ ઇ-મેલ અને તેમા દેખાડેલી રહસ્યમય વીડિયો કલીપીંગ પોલિસ અને અન્ય તપાસકર્તાઓ માટે મદદરૂપ સાબિત થશે કે પછી વધુ રહસ્યો પેદા કરશે તે તો આવનાર સમય જ કહી બતાવશે.
|