નવી દિલ્હી(ભાષા) ગુલાબી નગરી જયપુરમાં થયેલા સિરીયલ બ્લાસ્ટની ઘટના બાદ રક્ષા તથા આંતરિક સુરક્ષાના વિશેષજ્ઞોએ દેશના નાના-મોટા સ્થાનોમાં આતંકવાદીઓના સ્લીપર સેલ તથા સ્ક્રેપના કારોબારના ઓથા હેઠળ હથિયારો તથા વિસ્ફોટકોની હેરાફેરી કરતાં લોકો ઉપર લગામ કસવા માટે સુવ્યવસ્થીત તંત્ર વિકસીત કરવા ઉપર ભાર મુક્યો હતો.
સુરક્ષા મામલાના વિશેષજ્ઞ મેજર જનરલ અફસર કરીમે જણાવ્યુ હતુ કે, બદલાતા સમયમાં આધુનિકતા અને વિકાસ સાથે આતંકવાદી સંગઠનોએ પોતાની રણનિતીમાં પરિવર્તન કર્યુ છે. જેના અંતર્ગત દેશના અનેક નાના-મોટા સ્થાનોમાં સ્લીપર સેલ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સ્લીપર સેલ દ્વારા સમય-સમય પર આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે.
તદઉપરાંત સ્ક્રેપના કારોબાર સાથે જોડાયેલા કેટલાક લોકો હથિયારો તથા વિસ્ફોટકોની હેરાફેરીમાં શામેલ છે. જે આતંકી ગતિવિધીઓ માટે માર્કેટીંગનુ કામ કરે છે. ગુપ્તચર મામલાના વિશેષજ્ઞ એમ કે ધરે જણાવ્યુ હતુ કે, બોંબ બનાવવાની પધ્ધતિ હવે સામાન્ય વ્યક્તિ માટે છુપી રહી નથી. પરંતુ વિસ્ફોટક અને રસાયણ સુધી કેવી રીતે પહોંચાય તે આતંકવાદી સંગઠનોની રણનિતીનો વિષય છે.
|