જમ્મુ(ભાષા) જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ જિલ્લામાં સેનાએ આતંકવાદીઓના આશ્રયસ્થાનો પર છાપા મારીને 34 કિલોગ્રામ જેટલો આરડીએક્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, પંજાબના 17 સૈનિકોએ રાજૌરી જિલ્લાના ગરિયાલ ક્ષેત્રમાં આતંકવાદીઓના આશ્રયસ્થાનો શોધી કાઢ્યા હતા.
આ સ્થળો ઉપર સેનાના ચુનંદા જવાનોની ટુકડીએ છાપો માર્યો હતો. આતંકવાદીઓના આશ્રયસ્થાનમાંથી તેઓને 27 કિલોગ્રામ જેટલો આરડીએક્સનો જથ્થો મળી આવ્યો હતો. તદ્ઉપરાંત ત્યાંથી ત્રણ કિલોગ્રામ એલ્યુમિનીયમ તથા બે પરિષ્કૃત વિસ્ફોટક ઉપકરણ જપ્ત કરવામાં આવ્યા હતા. સેનાએ રાજૌરી જિલ્લાના કાલાકોટ તહસીલના પનિહાલ ક્ષેત્રમાં આતંકવાદીઓના અડ્ડાનો પત્તો લગાવ્યો હતો. સેનાના જવાનોએ આ સ્થળે દરોડો પાડીને ત્યાંથી છ કિલોગ્રામ આરડીએક્સ, એકે રાઈફલ તથા ત્રણ પરિષ્કૃત વિસ્ફોટક ઉપકરણ જપ્ત કર્યા હતા. સૈનિકોએ પુંછ જિલ્લાના એક સ્થળે દરોડો પાડીને એક કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કર્યો હતો.
|