સત્તાનાં સેમીફાયનલ તરીકે ઓળખાતી 6 રાજ્યોની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસને બે- બે રાજ્યોમાં બહુમતિ મળી છે. તેમાં કોંગ્રેસને વધુ ફાયદો થતો નજર આવે છે. કારણ કે ભાજપ દ્વારા ઉઠાવેલા આતંકવાદ અને મોંઘવારીનાં મુદ્દા સામે લોકોએ સ્થાનિક મુદ્દાને વધુ મહત્ત્વ આપ્યું છે.
દિલ્હી અને રાજસ્થાનમાં કે જે રાજ્યોમાં ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. તેમજ આ બંને રાજ્યોમાં મતદાન પહેલાં મુંબઈ પર ફિદાયીન હુમલો થયો હતો. તેમછતાં ત્યાં કોંગ્રેસે આસાન જીત હાંસલ કરી છે. જે વાત ભાજપને ગળે ઉતરતી નથી.
કારણ કે તેમણે મધ્યપ્રદેશમાં મોદી સ્ટાઈલથી વિકાસનાં નામે પ્રચાર કર્યો હતો. સાથે સાથે આતંકવાદનાં મુદ્દાને સામેલ કર્યો હતો. તેને કારણે લોકોએ વિકાસને હાથોહાથ લઈને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શિવરાજસિંહ અને રમણસિંહને ફરી વાર તક આપી છે. તેવી રીતે દિલ્હીમાં શીલા દિક્ષિતને તો રાજસ્થાનમાં કોંગ્રેસને તક આપી છે.
જ્યારે દિલ્હી અને રાજસ્થાનમાં ભાજપે આતંકવાદનાં મુદ્દાને ખુબ ચગાવેલું. તેની વિશાળ સભાઓમાં પણ આતંકવાદને મુખ્યમુદ્દો બનાવવામાં આવ્યો હતો. પણ મતદારો રાજ્યની ચુંટણીમાં આતંકવાદ કરતાં વિકાસને વધુ મહત્ત્વનું ગણ્યું હતું. જ્યારે આતંકવાદ અને મોંઘવારીનો મુદ્દો લોકસભાની ચુંટણી માટે રાખી મુક્યો છે. એટલે કે આગામી લોકસભાની ચુંટણીમાં આતંકવાદ અને મોંઘવારી મુદ્દે પોતાનો મત જાહેર કરશે, તેમ લાગે છે.
|