મધ્યપ્રદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો છે. કોંગ્રેસે પોતાની તક ગુમાવી દીધી છે. તેના માટે આતંકવાદ કે મોંઘવારી જેવા મુદ્દા નહીં પણ કોંગ્રેસની જૂથબંધી અને ચુંટણી પ્રચારમાં માર છે.
ભાજપ તેના ચુંટણી પ્રચાર માટે જાણીતો છે. તેની થીન્ક થેન્ક હંમેશા ચુંટણીમાં પ્રચારને લઈને કઈક ને કઈક ફેરફાર લાવે છે. જેમ કે મોદીએ ગુજરાતમાં એકલે હાથે ચુંટણી જીતી બતાવી છે. જે સાબિત કરે છે કે મતદારોને એકલો માણસ પણ જીતાડી શકે છે. આ જ કામ શિવરાજસિંહે મધ્યપ્રદેશમાં કરી બતાવ્યું છે.
ભાજપે મધ્યપ્રદેશમાં એક વર્ષ અગાઉથી ચુંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. વિકાસનાં કામોને પણ ધડાધડ શરૂ કરાવ્યા. ચુંટણીનાં મુદ્દાને વિપક્ષ કોંગ્રેસ નક્કી કરે તે પહેલાં ભાજપે જ નક્કી કરી દીધો, વિકાસ. કોંગ્રેસ પાસે જે શસ્ત્રો હતા, તે જ ભાજપે ખુલ્લા કરીને મુકી દીધા. છેલ્લા સમયે તો કોંગ્રેસ પાસે પ્રચારનો કોઈ મુદ્દો જ નહતો.
શિવરાજસિંહે ચુંટણી પહેલાં ભોપાલમાં કાર્યકર્તા સંમેલન યોજ્યું હતુ. જેમાં લગભગ ત્રણ લાખ કાર્યકર્તા ઉમટ્યા હતા. ત્યારે જ આભાસ આવી ગયો હતો કે શિવરાજસિંહનું મધ્યપ્રદેશમાં કેટલું મહત્ત્વ છે. લાખો કાર્યકર્તાઓની સંખ્યા ભાડેથી લાવી શકાય નહીં.
ત્યારબાદ તેનાં ચુંટણીનાં મહારથી અનંત દવે અને બીજા સભ્યોએ છેલ્લાં છ મહિનાથી દિવસ-રાત જાગીને પ્રચારને આખરી રૂપ આપ્યું હતુ. તેમણે અખબાર-ટીવી-હોર્ડીંગ્સ વગેરે જેવા તમામ પ્રચારનાં માધ્યમોનો સદ્દપયોગ કર્યો. શિવરાજસિંહ દરરોજ અનંત દવે અને તેની ટીમ સાથે બેસીને ચુંટણી પ્રચારની વિગતો જાણતા અને રણનીતિ બનાવતા હતા. જ્યારે કોંગ્રેસ હજી ચુંટણી મેનેજમેન્ટની બાબતમાં જુના વિચારોમાં જ જીવે છે.
પ્રચારનાં છેલ્લાં દિવસોમાં શિવરાજસિંહને પ્રચાર સભા કરવા માટે ઉમેદવારો દ્વારા રીતસરની વિનંતી કરવામાં આવતી હતી. લોકો સ્વંયભૂ તેમના ભાષણને સાંભળવા આવતાં હતા. અને, જે બાકી રહી ગયું હતુ તે નરેન્દ્ર મોદી, અડવાણી, સિધ્ધુ વગેરે જેવા નેતાઓએ પૂરૂ કરી કર્યું.
|