જાણીતા રાજકારણીઓ ટાર્ગેટ બનાવવાની યોજનાના ભાગરૂપે તથા લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતમાં મોટા બ્લાસ્ટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનોએ હવે પંજાબમાં અને દેશના અન્ય ભાગોમાં હુમલા કરવાની જવાબદારી ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઇ)ને સોંપી હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સંસ્થાઓએ લશ્કરે તોયબા અને જૈશે મોહંમદના આતંકવાદીઓ તથા બીકેઆઇ વચ્ચે બેઠક યોજાઇ હોવાનું બહાર આવ્યું છે. રાવલપિંડીમાં ફેબ્રુઆરી મહિનામાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના વડા વાધવાસિંહ સાથે તોયબાના ત્રાસવાદીઓએ સંયુકત બેઠક યોજી હતી.
આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પંજાબમાં મોટા હુમલા કરવાનો મુદ્દો છવાયો હતો. દેશ નિકાલ કરવા માટે ઈસ્લામાબાદને નવી દિલ્હીએ જે યાદી સોંપી છે તેમાં 40 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનો ઉલ્લેખ છે. આ આતંકવાદીઓમાં પાકિસ્તાનમાં છુપાયેલા વાધવાસિંહનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયમાં સૂત્રોએ કહ્યું છે કે અન્ય રાજયોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
|