રેલવે પ્રધાન મમતા બેનર્જીએ યાત્રીઓની અનેક અપેક્ષાઓ વચ્ચે આજે લોકસભામાં વર્ષ 2009-2010 માટેનું રેલવે બજેટ રજૂ કર્યું હતું. જેમાં મમતાએ નૂરના દરોમાં કોઇ વધારો કર્યો નથી. આ ઊપરાંત તમામ કલાસ માટેના યાત્રી ભાડામાં પણ કોઇ વધારો કર્યો નથી. તત્કાલ સ્કીમ પાંચ દિવસથી ઘટાડીને બે દિવસની કરવામાં આવી છે. જેમાં મમતા બેનર્જીએ ધારણા પ્રમાણે જ શ્રેણીબદ્ધ રાહતો તમામ વર્ગના લોકો માટે કરી હતી.
મમતા બેનર્જીએ રેલવે બજેટમાં જે જાહેરાતો કરી હતી તેમાં 12 નવી નોનસ્ટોપ ટ્રેનો દોડાવવાની, 200 નવા શહેરોમાં રિઝર્વેશન સેન્ટરો સ્થાપિત કરવાની તમામ ટ્રેનોમાં ગ્રીન ટોયલેટની વ્યવસ્થા કરવાની, તમામ લાંબા અંતરથી ટ્રેનોમાં એક તબીબની વ્યવસ્થા કરવાની, રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં મનોરંજનની સુવિધા સ્થાપિત કરવાની, મોબાઇલ ટિકિટગ સુવિધા સ્થાપિત કરવાની, ડબલડેક્કર કોચની સુવિધા ઊભી કરવાની જાહેરાત કરી હતી.
આ ઊપરાંત મમતાએ રેલવે બજેટમાં રેલવે ભરતી બોર્ડની સમીક્ષા કરવાની, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કવોટામાં ટૂંકમાં જ ભરતી કરવાની તથા વિકલાંગ લોકોના કવોટામાં તાત્કાલિક ભરતી કરવાની પણ જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ 18000 નવા વેગન ખરીદવાની પણ જાહેરાત કરી હતી.
ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કને વધુ વિસ્તૃત બનાવવાની, રમત-ગમતના કવોટામાં રોજગારની વધુ તકો ઊભી કરાવવાની પણ જાહેરાત કરી હતી. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેને શ્રેષ્ઠ બનાવવા તમામ પગલાં લેવામાં આવશે.
પોતાનું ત્રીજુ બજેટ રજૂ કરતા મમતાએ કહ્યું હતું કે દેશના 50 સ્ટેશનોને વિશ્વસ્તરના બનાવવામાં આવશે. જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. 200 સ્ટેશનો ઊપર યાત્રી આવાસની સુવિધા ઊભી કરવાની તેઓઓ ઘોષણા કરી હતી. મમતાએ કહ્યું હતું કે યાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
સફાઇ માટે નવો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવાની પણ મમતાએ ઘોષણા કરી હતી. ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાની મમતાએ ખાતરી આપી હતી. પશ્ચિમ બંગાળમાં કોચ ફેકટરી શરૂ કરવાની જાહેરાત કરતા તેઓએ તેમના રાજયને એક ભેટ આપી હતી. આ કોચ ફેકટરી 24, પરગનાના કાચરાપાડામાં બનાવવામાં આવશે.
|