સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યુપીએ સરકારના ગત કાર્યકાળમાં પાંચ વાર બજેટ રજુ કરનાર પૂર્વ નાણામંત્રી અને વર્તમાન ગૃહમંત્રી પી ચિંદબરમે લોકસભામાં પ્રણવ મુખરજીના સામાન્ય બજેટના ભાષણને ઘણું ધ્યાનથી સાંભળ્યું હતું પરંતુ સંસદની બહાર આવ્યા બાદ આ બજેટ અંગે અસાધારણ ચુપકીદી સાધી હતી.
જોકે બાદમાં તેમના મંત્રાલય દ્વારા લેખિતમાં એક નિવેદન પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. યુપીએની ગત સરકારમાં નાણામંત્રી રહેલા પી ચિંદબરમ બજેટવાળા દિવસે પોતાની વાદળી રંગની સૂટકેસ સાથે હસતા ચહેરા સાથે સંસદમાં પ્રવેશતા હતા.
પરંતુ આ વખતે તે કંઇક વ્યથિત જણાતા હતા. જોકે સંસદમાં તે બજેટનું ભાષણ ધ્યાનથી સાંભળતા હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ બજેટના તમામ પાસાઓ અંગે ધ્યાનથી વિચારી રહ્યા હતા. પરંતું સંસદની બહાર આવતાં તેમણે અસાધારણ ચુપકીદી સાધી લીધી હતી. પત્રકારો દ્વારા પુછવા છતાં તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો.
ઉલ્લેખનિય છે કે, પી ચિંદબરમે છેલ્લા બજેટમાં વસ્તુ આપલે ઉપર સીટીટી લગાવ્યો હતો પરંતુ મુખરજીએ આ વખતે તે રદ કર્યો હતો. |