જયપુરના સીતાપુરા વિસ્તારમાં ઈંડિયન ઓઈલ કોર્પોરેશન ‘આઈઓસી’ ડેપોથી આજે વધુ બે મૃતદેહ મળતાની સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે.
પોલીસ મહાનિરીક્ષક જયપુર બીએલ સોનીએ જણાવ્યું કે, ટર્મીનલ પરિસરમાંથી વધુ બે મૃતદેહો મળ્યાં છે. આધિકારિક સુત્રોના અનુસાર મળેલા બે મૃતદેહો સંભવત ગુમ થયેલા ત્રણ કર્મચારીઓમાંથી છે.
બીજી તરફ જયપુર જિલ્લા કલેક્ટર કુલદીપ રાંકા અનુસાર આજે સવારે જીનસ ફૈક્ટરીની આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જ્યારે આઈઓસી ડેપોમાં ચાર દિવસથી લાગેલી આગ સંભવત: આજે ઠરી જશે. તેમણે જણાવ્યું કે, ટર્મીનલથી જોડાયેલી જીનસ ફેક્ટ્રીમાં સવારે લાગેલી આગ પર ફાયરબ્રિગેડ કર્મચારીએ ત્રણ કલાકની મહેનત બાદ કાબૂ મેળવી લીધો છે.
તેમણે જણાવ્યું કે, ટર્મીનલમાં ભભૂકી રહેલી આગથી જીનસ ફેક્ટ્રીમાં આગ લાગી હતી. આગ ઠરવાની સાથે જ બચાવ કાર્ય તેજીથી શરૂ કરવા માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.