લાતૂર(મહારાષ્ટ્ર), ગુરૂ, 12 નવેમ્બર 2009( 11:07 IST )
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પદ્મસિંહ પાટિલે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની હત્યાની ષડયંત્ર રચવાના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બુધવારે અહીં એક કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું.
કોંગ્રેસ નેતા પવનરાજે નિંબાલકર હત્યાકાંડના પણ મુખ્ય આરોપી પાટિલે સત્ર ન્યાયાલયમાં આત્મસમર્પણ કર્યું. તેમને 14 દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલી દેવામાં આવ્યાં છે. પાટિલના વકીલે તેમના જામીનની અરજી આપી હતી જેને કોર્ટે અમાન્ય ઠેરવી.
હજારેએ ગત 25 સપ્ટેમ્બરના રોજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, પાટિલ અને નિંબાલકર હત્યાકાંડના સહ આરોપી પારસમલ જૈને તેમની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું કારણ કે, હજારેએ એક ચીન મિલ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં પાટિલને નાણાકિય ગડબડી કરવામાં દોષી ઠેરાવામાં આવ્યાં હતાં. આ કારણે પાટિલને મંત્રી પદથી રાજીનામું દેવું પડ્યું હતું.
હજારેએ ફરિયાદમાં કહ્યું હતું કે, જૈને સીબીઆઈ સામે આ વાત સ્વીકાર પણ કરી છે. આત્મસમર્પણ બાદ પાટિલને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.