સાર્વજનિક જીવનમાં લાંબા સમય સુધી નજરે ન ચડનારા ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલબિહારી વાજયેપીએ શુક્રવારે પોતાનો 86 મો જન્મદિવસ ઉજવ્યો. વડાપ્રધાન મનમોહનસિંહ સહિત કેટલાયે નેતાઓએ કૃષ્ણ મેનન માર્ગ સ્થિત આવાસ પર વાજપેયી સાથે મુલાકાત કરીને તેમને શુભકામના પાઠવી.
વાજપેયીના જન્મદિવસ પ્રસંગે નવી દિલ્હી અને લખનૌમાં કેટલાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તમિલનાડુના મુખ્યમંત્રી અને દ્રમુક પ્રમુખ એમ. કરુણાનિધિએ વાજપેયીને પોતાનો શુભેચ્છા સંદેશ મોકલ્યો.
ભાજપાના વરિષ્ઠ નેતા એલકે અડવાણી, પાર્ટીના નવા પ્રમુખ નિતિન ગડકરી, લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી સહિત કેટલાયે નેતાઓએ વાજપેયી સાથે મુલાકાત કરી અને દીર્ઘાયુ હોવાની કામના કરી.
વાજપેયી લાંબા સમયથી અસ્વસ્થ છે અને વર્ષ 2009 ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ ભાગ લઈ શક્યાં ન હતાં. ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી વિજય ગોયલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રાએ પણ તેમને શુભકામના પાઠવી છે.