જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના હાર્દસમા વિસ્તાર લાલચોકમાં બુધવારે હુમલો કર્યા બાદ અહીંની એક હોટેલમાં ઘુસી ગયેલા આતંકવાદીઓનો સફાયો કરવા સુરક્ષાદળોએ કરેલા અંતિમ હુમલામાં બંને આતંકવાદીઓ ઠાર થતા છેલ્લા બાવીસ કલાકથી ચાલી રહેલું ઓપરેશન સમાપ્ત થયું હતું.
સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓના વાયરલેસ સંદેશાઓ આંતર્યા બાદ તેમની ઓળખ પણ કરી લીધી હતી. આ બંને આતંકવાદીઓ પાકિસ્તાનના હતા જેમા એકનું નામ ક્વારી અને બીજાનું નામ ઉસ્માન હોવાનું જાહેર કરાયું હતું.
લાલચોકમાં આવેલી હોટેલ પંજાબ પર સુરક્ષાદળોએ આજે સવારે ખુબ નજીકથી હુમલો કરતાં તેમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓ આ હોટેલમાં ગઇકાલે છુપાઇ ગયા હતા અને સુરક્ષાદળોને તેઓ હોટેલના સૌથી ઉપરના માળે છુપાયા હોવાનો અંદેશો હતો. આતંકવાદીઓ હોટેલમાંથી ગોળીબાર ઉપરાંત બોંબમારો પણ કરી રહ્યા હતા.