ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું છે કે, હું ભાજપમાં આરએસએસનો માણસ નથી, તથા કેન્દ્રીય નેતાગીરીની કઠપૂતળી નથી. તેમના કહેવા પ્રમાણે તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સંઘની ટોચની નેતાગીરી સાથે ચર્ચા કરીને નિર્ણય લે છે. છતાં તેઓ સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે પણ સક્ષમ છે.
એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાઓ તેમને અધ્યક્ષ તરીકે ઇચ્છતા હતા તથા સંઘ દ્વારા તેમને ભાજપ પર થોપવામાં નથી આવ્યા.
ગડકરીએ ઉમેર્યુ હતું કે, સંઘ અને ભાજપની વચ્ચે વૈચારિક સામ્યતા છે. બાકી સંઘ દ્વારા રોજબરોજની કાર્યવાહીમાં કે ઉમેદવારોની પસંદગીમાં કોઇ દખલ કરવામાં નથી આવતી. જ્યારે તેઓ સરસંઘસંચાલકને મળે છે ત્યારે તેમની સાથે અભિપ્રાયોની આપ-લે કરે છે.
રાજસ્થાન, બિહાર, કર્ણાટક અને બિહાર ભાજપમાં ફાટફૂટની વાતનો બચાવ કરતા ગડકરીએ કહ્યું હતું કે, પક્ષને લગતા મુદ્દાઓની પ્રેસમાં ચર્ચા કરી શકાય નહીં અને આવી રીતે જ પક્ષના મંચ પર રાજસ્થાન ભાજપનો મુદ્દો ઉકેલવામાં આવ્યો હતો.