મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રવિવારે દેશના અગ્રિમ અખબારોમાં આપેલા એક વિજ્ઞાપનમાં મોટો ભાંગરો વાટ્યો છે. કન્યા ભ્રૂણ હત્યા અટકાવવાની અપીલ કરતી આ જાહેર ખબરમાં ભારતના નેતાઓ સાથે પાકિસ્તાનના પૂર્વ એરચીફ માર્શલ તન્વીર મહેમુદ અહેમદની તસવીર છપાઈ જતાં સરકાર શરમજનક હાલતમાં આવી ગઈ છે.
જાહેરાત સામે વિરોધનો વંટોળ સર્જાયો છે અને ભાજપે આને ગંભીર ચુક ગણાવી છે. બીજી બાજુ સ્થિતિ થાળે પાડવા વડાપ્રધાન કાર્યાલયે તાકિદે ખેદ વ્યક્ત કરીને માફી પણ માગણી લીધી છે. સાથો સાથ આ છબરડાની તપાસનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમઓ આ ભુલ બદલ દેશવાસીઓની માફી માગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે અને ડીએવીપી દ્વારા રાષ્ટ્રીય અખબારોમાં એક જાહેરાત આપી હતી જેમાં પાકિસ્તાની વાયુસેના પ્રમુખ તન્વીર અહેમદનો ફોટો છાંપવામાં આવ્યો હતો.