શ્રીનગરમાં 19 વર્ષમાં પ્રથમવાર ન ફરક્યો રાષ્ટ્રધ્વજ
શ્રીનગર , બુધ, 27 જાન્યુઆરી 2010( 11:02 IST )
શ્રીનગરના લાલ ચોકમાં 19 વર્ષમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસ પર ધ્વજારોહણ ન થયું. અત્યાર સુધી દર વર્ષે સુરક્ષા ટુકડી અહીં રાષ્ટ્રધ્વજ ફરકાવતી હતી. ધ્વજ ન ફરકાવાનું કારણ માત્ર એટલું જ છે કે, શ્રીનગરના માર્ગો પર હાલના દિવસોમાં સન્નાટો ફેલાયેલો છે. તેનું કારણ એ છે કે, અલગાવવાદીઓએ ઘાટીમાં હડતાલ પાડી છે જેને પગલે પ્રશાસને અહીં ઘણો સઘન સુરક્ષાબંદોબસ્ત ઉભો કર્યો છે. રોડ પરથી નિકળવું પણ મુશ્કેલ છે તો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
લાલચોકના ઘંટાઘર પર 1991 બાદ આ વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ પ્રસંગે ધ્વજ ફરકાવવામાં આવતો હતો. 1991 માં બીજેપીના અધ્યક્ષ રહી ચૂકેલા મુરલી મનોહર જોશીએ અહીં તિરંગો ફરકાવ્યો હતો. જો કે, તે સમયે પણ શ્રીનગરમાં આતંકીઓએ રોકેટથી હુમલો કર્યો હતો અને આજે પણ સીમાએ પડોશીઓ ગોળા વરસાવી રહ્યાં છે. ઘુસણખોરોને સીમાડે ઘુસવામાં મદદ કરી રહ્યાં છે.
લાલ ચોક પર તિરંગો શા માટે ન ફરકાવામાં આવ્યો તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હજુ થોડા દિવસો પહેલા જ લાલચોકમાં આતંકવાદીઓએ આતંક ફેલાવ્યો હતો. પ્રશાસને ગત સાંજે ઠીલ આપતા થોડી વાર માટે લોકોની સુવિધા માટે છૂટ આપી હતી. જો કે, શહેરમાં ચેકિંગ સતત જારી છે. ગણતંત્ર દિવસને પગલે આતંકી હુમલાની આશંકાને પગલે અહીં સુરક્ષા સઘન કરવામાં આવી છે.