રાજ્યસભા ગૃહના નેતા વડાપ્રધાન મનમોહન સિંહના આવ્યા બાદ 10 મિનિટ બાદ વિપક્ષના નેતા અરુણ જેટલીએ લોકપાલ બિલ પર ચર્ચાનો પ્રારંભ કર્યો છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે તેઓ અહીં મજબૂત લોકપાલ બિલ લાવવા માટે ઉભા થયા છે, પરંતુ તેની સાથે કમજોર અને ખોખલા લોકપાલ બિલનો પણ વિરોધ કરવા માટે ઉભા થયા છે. સરકારના લોકસભામાં પારીત થયેલા લોકપાલ બિલને જેટલીએ કમજોર ગણાવતા કહ્યુ કે વિપક્ષના સંશોધનો સાથે મજબૂત લોકપાલ બનાવવામાં આવે.
જેટલીએ કહ્યુ કે સંસદમાં શક્તિ છે અને રાજનીતિમાં તાકાત છે. આજે જોવાનું છે કે ઈતિહાસ સાથે ટકરાઈએ છીએ કે એક નવો ઈતિહાસ બનાવીએ છીએ. તેમણે કહ્યુ હતુ કે ગૃહ લોકપાલ બનાવ્યા વગર ઉઠે નહીં. ઈતિહાસ આપણી (સાંસદોની) પરીક્ષા લઈ રહ્યો છે. જોવાનું એ છે કે આપણે તેમાં ખરાં ઉતરીએ છીએ કે નહીં.
જેટલીએ કહ્યુ કે 27 ઓગસ્ટે નક્કી થયેલી વાતો ગૃહની ભાવના હતી, આજે દેશની પણ આ મુદ્દે એક ભાવના છે. સેન્સ ઓફ નેશનને પણ સમજી લઈએ. કમજોર કાયદો બનશે તો આવનારી પેઢી માફ નહીં કરે.
તેમણે કહ્યુ કે સરકારની રણનીતિ છે કે ખોખલા લોકપાલ કાયદા બનાવીને તેને બંધારણીય દરજ્જો અપાવવો. પરંતુ લોકપાલને બંધારણીય દરજ્જો આપતી વખતે રાજ્યોના અધિકારો પર આઘાત થવો જોઈએ નહીં. કેન્દ્રનો કાયદો બંધારણના અનુચ્છેદ-252 હેઠળ બનાવવામાં આવે.
જેટલીએ લોકસભામાં વડાપ્રધાન દ્વારા ભ્રષ્ટાચારની લડાઈમાં સંઘીય માળખાને અડચણ ન બનાવવામાં આવે તેવું નિવેદન આપ્યું હતું, તેને ટાંકીને કહ્યુ કે ભ્રષ્ટાચારની લડાઈ અને સંઘીય માળખા વચ્ચે ક્યાંય અંતર્વિરોધ નથી, બંને વચ્ચે સહઅસ્તિત્વ રહી શકે છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતાએ કહ્યુ કે લોકપાલની પસંદગી સમિતિમાં સરકારની બહુમતી મંજૂર નથી. લોકપાલની નિમણૂકમાં લોકસભાના સ્પીકરની ભૂમિકાની જરૂરી નથી.
જેટલીએ કહ્યુ કે લોકપાલને હટાવવા માટે સરકાર પાસે શા માટે જવાનું? લોકપાલને હટાવવાની પ્રક્રિયા મંજૂર નથી. લોકપાલના માથા પર સરકારની તલવાર હંમેશા લટકતી રહેશે.
તેમણે કહ્યુ કે લોકપાલની ઘણી જોગવાઈ અવ્યવહારીક છે. બિલની પાયાગત ભૂલ ઠીક કરવાની જરૂરત છે. લોકપાલ પર સરકારની મનસા સાફ નથી. સરકાર રમકડાંના સ્વરૂપનું લોકપાલ ચાહે છે.
અરુણ જેટલીએ કહ્યુ કે સીબીઆઈ નિદેશકની પસંદગીમાં લોકપાલને પણ સામેલ કરવામાં આવે. . સીબીઆઈને નિષ્પક્ષ સંસ્થા બનાવવી જરૂરી છે. સીબીઆઈના નિદેશકની પસંદગીમાં વડાપ્રધાન, લોકપાલ અને લોકસભાના વિપક્ષના નેતા સામેલ થાય. લોકપાલમાં તપાસની વ્યવસ્થા દોષપૂર્ણ છે. તપાસથી પહેલા આરોપીને કેસની જાણકારી આપવી યોગ્ય નથી. લોકપાલ કાયદાની હાલની તપાસ પ્રક્રિયાથી તપાસ સંભવ નથી.