વાઘપુરાથી બોડેલી તરફ જતી મુસાફરો ભરેલી એસ.ટી બસ નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકતા 46 જેટલા મુસાફરોનાં મૃત્યુ થયા હતાં. મૃતકોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. આ ગમખ્વાર દુર્ઘટનાની જાણ થતાં વડોદરા જીલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મૃતકોનાં શબ પાણીમાંથી બહાર કાઢવા વડોદરાથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
બંને સપાટીએ વહી રહેલી કેનાલમાંથી મૃતદેહોને બહાર કાઢવાની મુશ્કેલી આવી રહી છે તથા રબર બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક પછી એક લાશ બહાર કાઢવામાં આવતા લાશોનો ઢગલો ખડકાઈ ગયો હતો. આ દ્રશ્ય ખૂબ હ્રદય કંપાવનારું હોવાથી લોકોની આંખોમાંથી ચોધાર આસું વહેવા લાગ્યા હતાં.
આ ઘટનાની જાણ થતાં મૃતકોનાં સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે તથા મહિલાઓ આ જોઈને આક્રંદ કરી છે તથા માહોલમાં ગમગીની છવાઈ ગઈ છે.
બોડેલી,પાવી જેતપુર અને શંખેડા સુધીનાં હજારો લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા છે તથા મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. તંત્ર પાણીમાંથી અન્ય શબોને કાઢવાનાં કામમાં જોતરાયું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બસનાં ડ્રાયવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હતી.
આ બનાવની જાણ થતાં ગૃહમંત્રી અમિત શાહ, શહેરી વિકાસ મંત્રી અને જીલ્લા પ્રભારી નીતિન પટેલ સહિત સ્થાનિક નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. રાજ્ય સરકારે મૃતકોનાં પરિવારજનોને એક-એક લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત બસને કેનેલામાંથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. બસને બહાર કાઢતાની સાથે જ તેમાં રહેલા વિદ્યાર્થીઓનાં મૃતદેહ જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ નર્મદા કેનાલ આપઘાત અને અકસ્માતો માટે કુખ્યાત બની છે. તેમાં આત્મહત્યા અને દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે છતાં તંત્રએ આ માટે કોઈ પગલા ભર્યાં નથી.
|