અમદાવાદ. દેશમાં વધી રહેલી મોંઘવારી અને યુપીએ સરકારની સતત વધતા જતા ફુગાવાને અંકુશમાં રાખવાની નિષ્ફળતા બાબતે વિરોધ પ્રદર્શિત કરવા ભાજપે ગઇકાલે દેશવ્યાપી ભારત બંધ કરાવ્યું હતું. જેને ભાજપના ગઢ સમાન ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અનેક શહેરોએ વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખ્યો હતો.
ગુજરાતમાં ભાજપ સત્તારૂઢ પક્ષ છે છતાંપણ ભાજપે ફકત બપોરના 2 વાગ્યા સુધી રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કર્યુ હતું. જેમાંથી ટ્રાફિક બાબતો અને જરૂરી સેવાઓને બાકાત રાખી હતી. અમદાવાદમાં અનેક વ્યાપારી પેઢીઓ ખુલ્લી રહી હતી. મુખ્ય વિસ્તારો જેવા કે પાલડી, સેટેલાઈટ, સી.જી.રોડ, આશ્રમ રોડ વગેરે પર આવેલ દુકાનો સામાન્ય રીતે કાર્યરત હતી.
જ્યારે સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં વ્યાપારીઓએ બંધને સમર્થન આપીને દુકાનો બંધ રાખી હતી. તેમજ વડોદરામાં પણ બંધને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.. જરૂરી સેવાઓ, વાહનવ્યવહાર અને જાહેર કાર્યાલયો ચાલુ રહ્યા હતાં.
જ્યારે અમરેલી અને વલસાડ જિલ્લાઓમાં ભાજપના બંધના એલાનને સાવ ઓછો પ્રતિસાદ મળ્યો હતો. ભાવનગર જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મોટી ટ્રેડિગ ફર્મ બંધ રહી હતી જ્યારે નાની નાની દુકાનો જૂના શહેર વિસ્તારમાં ચાલુ રહી હતી. બંધ દરમિયાન રાજ્યભરમાંથી કોઈ અનિચ્છનિય બનાવના અહેવાલો પ્રાપ્ત થયા નથી.
|