ગાંધીનગર. ગુજરાતમાં વૈજ્ઞાનિક કૃષિને પ્રોત્સાહન પુરુ પાડવાના હેતુસર કૃષિ મહોત્સવની ગઇકાલથી શરુઆત કરવામાં આવી હતી. આ મહોત્સવ એક મહિના સુધી ચાલશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ અખાત્રીજ રોજ બારડોલીની ઐતિહાસિક કિસાન સત્યાગ્રહની ભૂમિ પરથી કરતાં જાહેર કર્યું હતુ કે, આ સરકારનો એજંડા ખેતીની સમૃદ્ધિ દ્વારા કિસાનો અને ગુજરાતને સમૃદ્ધ બનાવવાનો છે. જેઓ કૃષિ મહોત્સવનો વિરોધ કરે છે તેઓ કિસાન-હિતના વિરોધીઓ છે, કારણ કે કૃષિ મહોત્સવ હવે ગામે ગામ ખેડૂતોમાં નવો આત્મવિશ્વાસ અને ભરોસો બની ગયો છે, તેમ તેમણે જણાવ્યું હતુ.
રાજ્ય સરકાર સતત છેલ્લાં ચાર વર્ષથી આ કૃષિ મહોત્સવનું આયોજન કરી રહી છે અને ગઇકાલના અખાત્રીજના પવિત્ર દિવસથી ગુજરાતના 18000 ગામોમાં કૃષિ મહોત્સવ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. આ એક મહિના દરમિઆન ખાસ રીતે બનાવવામાં આવેલા 228 કૃષિ રથ રાજ્યના દરેક ગામમાંથી પસાર થશે. ખેડુતોને વૈજ્ઞાનિક વલણ અપનાવવા માટે જાગૃત કરવામાં આવશે.
ખેડૂતોને ગુણવત્તાવાળું બિયારણ મળી રહે તે માટે વિવિધ જિલ્લામાં 933 અધિકૃત વિક્રેતાઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. જેમાં 346 ખાનગી વિક્રેતાઓનો પણ સમાવેશ થાય છે. મહોત્સવ દરમિયાન ખેડૂતોને વિવિધ પાક માટે કુલ 1,65,137 કિટ અને બાગાયત પાક માટે 1,39,187 કિટનું વિતરણ કરવામાં આવશે. 13 જિલ્લામાં બીજનિગમની શાખા પરથી બીજવિતરણ પણ શરૂ કરાયું છે. આ પ્રસંગે બારડોલી ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ6 હતું કે, એકજ વર્ષમાં કૃષિ મહોત્સવના કારણે સુરત જિલ્લાએ 100 કરોડ રૂપિયાની શાકભાજીના વેચાણમાંથી રૂ.600 કરોડના વેચાણનો વિક્રમ વટાવ્યો છે અને એ દિવસ દૂર નથી કે સૂરતના વિમાની મથકેથી યુરોપના બજારોમાં શાકભાજીના એરકાર્ગો શરૂ થઇ ગયા હશે. કચ્છની કેસર કેરી પણ દૂનિયાના બજારમાં વેચાય છે. આવનારા બે-ત્રણ દશકામાં ભારતીય ભોજનની સ્વાદરૂચિનું વિશ્વફલક આવી રહ્યું છે. ત્યારે શાકભાજીની વિકાસલક્ષી મૂલ્યવર્ધિત મૂલ્યવર્ધિત ખેતી ઉપર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ધ્યાન કેન્દ્રીત કરવા તેમણે અપીલ કરી હતી.
તેઓએ છેલ્લે જણાવ્યું હતું કે, આ સરકારનો એજંડા ખેતીની સમૃદ્ધિ દ્વારા કિસાનો અને ગુજરાતને સમૃદ્ધ બનાવવાનો છે. જેઓ કૃષિ મહોત્સવનો વિરોધ કરે છે તેઓ કિસાન-હિતના વિરોધીઓ છે, કારણ કે કૃષિ મહોત્સવ હવે ગામે ગામ ખેડૂતોમાં નવો આત્મવિશ્વાસ અને ભરોસો બની ગયો છે.
|