અમદાવાદ સ્થિત આશ્રમના બે વિદ્યાર્થીઓનાં શંકાસ્પદ હાલતમાં મોત થવાના મામલે આજે પોતાની ચુપકીદી તોડતાં આસારામ બાપુએ કહ્યું હતું કે, જો મારા આશ્રમનાં કોઇ સાધક ઉપર આરોપ સાબિત થાય તો હું ફાંસી પર ચઢવા તૈયાર છું .
થોડા દિવસ પહેલા અમદાવાદ સ્થિત આસારામ બાપુના ગુરૂકુળના બે વિદ્યાર્થીઓના વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતાં વિવાદ ઉઠ્યો છે. પ્રાથમિક તપાસમાં બંનેના મોત નદીનાં પાણીમાં ડુબવાથી થયા હોવાનુ તારણ બહાર આવ્યું હતું.
પરંતુ વિદ્યાર્થીઓનાં માતા-પિતાએ તેમના સંતાનો સાથે તાંત્રિકવિધિ કરવામાં આવી હોવાનો આરોપ લગાવતાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી હતી. તો બીજી બાજુ આસારામ બાપુ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ આજે અચાનક આસારામ બાપુએ પોતાનું મૌન તોડીને બધાને સ્તબ્ધ કરી દીધા હતા.
નવી દિલ્હીમાં ચાલી રહેલા તેમના સત્સંગ દરમિયાન બાપુએ જાહેરમાં જણાવ્યું હતું કે જો બે વિદ્યાર્થીઓનાં મોતમાં આશ્રમનાં કોઈ સાધકનો હાથ હોવાનું બહાર આવશે,તો હું ખુદ ફાંસી પર ચઢી જઈશ.
બાપુએ આટલે ન અટકતાં વધુમાં જણાવ્યું હતું કે નદી કિનારે રેતી ઉપાડવાનું કામ ચાલે છે. તેથી ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે. આ ખાડામાં પાણી ભરાઈ ગયા છે. જેમાં પડી જવાથી, તેમના મોત થયા છે. અને પાણીમાં પડ્યા રહેવાથી મૃતદેહની હાલત ખરાબ થઈ ગઈ હતી.
તાંત્રિક વિધિ અંગે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી નથી. આમ છતાં જો તાંત્રિક વિધિ કે આશ્રમના કોઈ કર્મચારીની સંડોવણી બહાર આવશે, તો તેઓ ફાંસીએ ચઢતાં પણ ગભરાશે નહીં.
તેમણે આ પ્રસંગે દેશ છોડી દેવાની પણ ધમકી આપી હતી. જો કે તેમણે રાજ્ય સરકાર અને પોલીસનો આભાર માન્યો હતો અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની જાહેરાત કરી હતી.
|