ગુજરાત સરકારે અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ બાદ રાજ્યનાં દરેક મહત્ત્વપૂર્ણ સ્થાળોની સુરક્ષા વધારી છે. રાજ્યને પાણી અને વીજળી પુરી પાડતું સરદાર સરોવર આંતકીઓના નિશાના પર હોવાના સંકેત મળતાં ત્યાં સુરક્ષા વધારાઇ દેવાઇ છે.
અમદાવાદમાં એક જ દિવસમાં 20 બ્લાસ્ટ કરીને તેમજ સુરતમાં બોમ્બ ગોઠવી આતંકવાદીઓએ ગુજરાતમાં આંતકવાદના ટકોરા માર્યા છે. ઈન્ટેલિજન્સ સુત્રોનાં જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ હવે આતંકીઓનાં નિશાના પર છે. રાજ્યની મહત્ત્વકાંક્ષી યોજનાથી રાજ્યને પાણી અને વિજળી બન્ને મળે છે. વળી, દરરોજ હજારો પ્રવાસીઓ પણ ડેમ જોવા આવે છે. તેથી ડેમ વિસ્તારમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરીને આતંકીઓ રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
આથી રાજ્ય સરકારે ડેમનાં સુરક્ષા અધિકારીઓની બેઠક બોલાવી હતી. અને, તેમને વધારે ફોર્સ આપવામાં આવી હતી. તેમજ જરૂરી સુરક્ષાનાં સાધનો પણ આપવામાં આવ્યાં હતાં. આવતાં-જતાં પ્રવાસીઓ પર કડક નજર રાખવાની સુચના આપવામાં આવી છે. તો નર્મદા જિલ્લા પોલીસને પણ ડેમની આસપાસનાં વિસ્તારનું પેટ્રોલીગ વધારવા જણાવાયું છે.
|