નરોડા બોમ્બ બ્લાસ્ટ કેસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરેલા અબુ બશર સહિત 10 આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરતાં મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ જી.એમ પટેલે આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
શહેર ક્રાઇમ બ્રાન્ચે નરોડા બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરેલા માસ્ટર માઇન્ડ અબુ બશર, જાહીદ કુતુબુદ્દીન શેખ, ઇમરાન ઇબ્રાહીમ શેખ, મહંમદ સાજીદ, ઇકબાલ કાસમ શેખ, સમસુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન અબ્દુલ સલીમ અંસારી, મહંમદ આરીફ મહમંદ ઇકબાલ કાગઝી, ઉસ્માન અનીશ અગરબત્તીવાલા અને યુનુસ મન્સુરીને આજે કોર્ટમાં હાજર કરી એવી રજુઆત કરી હતી કે, નાસતા ફરતા આરોપી રાજીક અને ક્યામુદ્દીન કાપડીયા સાથે સંકળાયેલા છે.
તેઓ નરોડા બ્લાસ્ટ કાવતરાનો હિસ્સો છે. અગાઉ ધરપકડ કરાયેલ આરોપી સયાઝે બોમ્બ સાથેની થેલી બ્લાસ્ટ કરવા સારૂ ક્યાં મુકવાની છે તે અંગેની રેકી કરી હતી. આરોપીઓ પરસ્પર બ્લાસ્ટ સાથે સંકળાયેલા છે. આરોપીઓને નાણાકીય મદદ કોણે કરી છે. મદદ ક્યારે મેળવી હતી તેની માહિતી મેળવવાની છે.
આરોપીઓની દિલ્હીમાંથી પકડાયેલા આરોપીઓ સાથેનું ગઠબંધન હોવાથી વિગતો કઢાવવા માટે રિમાન્ડ જરૂરી છે તેમાજ તેમજ આરોપીઓને બોમ્બ ધડાકા કરવા માટે વિદેશી આર્થિક મદદ મળી આવી હોવાનું જણાય આવેલ છે. તેમજ આરોપીઓ આંતરરાષ્ટ્રીય કનેકશન ધરાવે છે કે કેમ? તે અંગેની વધુ તપાસ કરવા માટે 12 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. સરકાર તરફે ખાસ સરકારી વકીલ જે.એમ.પંચાલ, એમ.એમ.ધ્રુવ અને મિતેષ અમીન હાજર રહ્યા હતાં.
|