ગુજરાતના સામુદાયિક વિકાસમાં રાજય બહાર વસતા ગુજરાતીઓનું સીધુ યોગદાન મળે તે માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયનું હિત ધરાવતા બિનનિવાસી ગુજરાતીઓને રાજયની વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર માટે પ્રેરિત કરવાનો રાજ્ય સરકારના માનદ્ પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવાનો શુભનિર્ધાર કર્યો છે.
રાજયમાં ઔઘોગિક મુડીરોકાણ માટે મહત્વના બનતા જતા વાયબ્રન્ટ ગુજરાત અભિયાનમાં બિનનિવાસી ગુજરાતીઓ ઉમળકાભર્યો પ્રતિભાવ આપી રહ્યા છે. રાજય તથા પ્રજાના ગૌરવ માટે વિદેશમાં રહીને આવું સરાહનિય કાર્ય કરતા બિનનિવાસી ગુજરાતીઓને સીધી રીતે વિકાસમાં સાંકળવાનું અગત્યનું કદમ રાજય સરકારે ઉઠાવ્યું છે.
આ અંગે વિગતો આપતાં પ્રવાસન અને બિનનિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી બે કરોડ જેટલા ભારતીયો વિદેશમાં વસે છે તે પૈકીના 20 ટકા એટલે કે 40 લાખથી વધારે લોકો ગુજરાતીઓ છે. ગુજરાતની બહાર વસતા લોકો દ્વારા ભારતમાં 531 અને વિદેશમાં 230 જેટલા ગુજરાતી સમાજો અને વિવિધ સામાજિક સંગઠનો સાર્વજનિક કામો કરી રહ્યા છે.
આ સંગઠનો દાયકાઓથી કાર્યરત છે પરંતુ આ બિનનિવાસી ગુજરાતીઓ પોતાના રાજયના વિકાસ માટે તેમનું જ્ઞાન, તેમનો અનુભવ, તેમનું કૌશલ્ય તથા તેમની કાર્યક્ષમતાનો ઉપયોગ કરવા માટે પણ જાણીતા છે. તેમની આ ઇચ્છાને અને ધગશને ગુજરાતના વિકાસમાં વાળવા ગુજરાત સરકાર તેમને સહકાર આપવા તૈયાર છે.
આ હેતુથી ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતીઓની ગુજરાતના વિકાસમાં વધુ ભાગીદારી મળે તથા તેઓ દ્વારા વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ વિકાસની પ્રક્રિયામાં સતત પ્રોત્સાહિત થાય તેવા શુભ આશયથી ગુજરાત સરકારના માનદ પ્રતિનિધિ તરીકે બિનનિવાસી ગુજરાતીઓને નિમણૂક આપવાની નવી યોજના અમલમાં મૂકી છે.
|