શહેરનાં પોશ એવા સેટેલાઈટ વિસ્તારમાં પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલ રીવેરા ફ્લેટમાં 31 ડિસેમ્બરની પાર્ટી દરમ્યાન લાગેલી આગમાં એક વ્યાપારી દંપતિનું મોત થયું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નવા વર્ષનાં સ્વાગત માટે રિવેરા હાઈટમાં રહેતા સંદિપ ગોયનકા(ઉ.વ. 30)એ પાર્ટી ગોઠવી હતી. તે રિવેરા હાઈટ ફ્લેટનાં 12મા માળે રહે છે. આ ફ્લેટમાં સંદીપનાં મિત્રોએ ભાગ લીધો હતો. તેમજ દારૂ પીને વિદેશી સંગીત પર ડાન્સ પણ કર્યો હતો. ત્યારે રાત્રે 12 વાગતાં તેમણે ફ્લેટમાં જ ફટાકડાં ફોડ્યા હતા. જેમાં આગ લાગવાથી સંદીપ અને તેની પત્ની પલ્લવી (ઉ.વ. 28)ગંભીર રીતે દાઝી ગયા હતા.
બંને ઘાયલોને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પાછળથી તેમનું મોત થયું હતું.
80 બોટલ વિદેશી દારૂ મળ્યોઃ પોલીસનાં જણાવ્યા મુજબ સંદીપને પીપળજમાં કપડાંની ફેક્ટરી ધરાવે છે. તેમજ તેનાં ઘરનાં બેડરૂમમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની 70 બોટલો મળી આવી હતી. જ્યારે 10 બોટલો ખાલી મળી હતી. ઘરની છત પર બનાવેલા સ્વીમીંગ પુલની નજીકથી 16 ગ્લાસ અને પાંચ ખાલી બોટલ મળી હતી. પોલીસે 11 હજારની બોટલો જપ્ત કરી હતી.
મીડિયાને પ્રવેશ નહીઃ પોલીસે પોલ ખુલી જવાનાં ડરથી કોઈને ઘરની અંદર જવા દીધા નહતા. તેમજ પોલીસે મીડિયાકર્મીઓને ફ્લેટની અંદર જતા રોક્યા હતા. તેના કારણે પોલીસ અને મીડિયાકર્મી વચ્ચે રકઝક થઈ હતી.
|