રાજ્યની સૌથી મોટી અને સંવેદનશીલ એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં રવિવારે સવારનાં સમયે કેદીઓ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું, જ્યારે ચાર થી વધુ કેદીઓ ઘાયલ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રવિવારે સવારનાં સમયે કોઈ બાબતે કેદીઓનાં બે જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કેદીઓ તિક્ષ્ણ હથિયારો લઈ આવ્યા હતા. અને મારામારી કરવા લાગ્યા હતા. જેમાં પાંચ થી વધુ કેદીઓ ઘાયલ થયા હતા.
ઘાયલો પૈકી એક કેદીનું હોસ્પીટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા કેદીઓને પણ ગંભીર ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળ્યું છે. જેલની અંદર કેદીઓ વચ્ચેની અથડામણ બાદ પોલીસે તમામ કેદીઓને પોતાના બેરેકમાં મોકલી દીધા છે. તેમજ જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ઉલ્લેખનીય છે કે સાબરમતી જેલમાં પહેલાં પણ હત્યા, મારમારી તેમજ ગેરકાયદેસર રીતે રાખવામાં આવતાં મોબાઈલ ફોન અને દેશી દારૂ પકડવામાં આવ્યા છે. તેમજ જેલ સત્તાવાળાઓ પર ભેદભાવનો આરોપ લગાવવામાં આવે છે. હાલમાં જેલની અંદર ગોધરાકાંડનાં આરોપીઓ સહિત આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે.
|