અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 132 મી બુધવારે દબદબાભેર હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં નિર્વિધ્ને સંપન્ન થઇ. મહંત નરસિંહદાસજી મહારાજે સવાસો વર્ષ પૂર્વે રક્ષાસૂત્રને લક્ષમાં રાખીને ઘડી કાઢેલા સાડા બાવીસ કિલોમીટર લાંબા રથયાત્રાના સમગ્ર રૃટ ઉપર ભારે ઉકળાટભર્યા વાતાવરણમાં પણ માનવમેદની ઉમટી પડી હતી. રથયાત્રા શાહપુરમાં પ્રવેશી ત્યારે ઝરમર વરસાદ વરસતા ભાવિકોએ હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીનો જયઘોષ કર્યો હતો. સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે પોણા સાત વાગ્યે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સતત આઠમી વખત પહિન્દ વિધિ કરીને જમાલપુર સ્થિત મંદિરેથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. મોદીએ થોડી વાર સુધી જગ્ગનાથજીનો રથ પણ ખેંચ્યો હતો. રાત્રે પોણા નવ વાગ્યે ત્રણેય રથો નિજ મંદિર પરત ફર્યાં હતાં. સમગ્ર પર્વ દરમિયાન અનેક સ્થળોએ કોમી એખલાસના અનેરા દૃશ્યો જોવા મળ્યાં હતાં. |