ગાંધીનગરગુજરાત વિધાનસભામાં નાણામંત્રી વજુભાઈ વાળાએ આજે 2009-10ના વર્ષનું અંદાજિત રૂ. 53.76 કરોડની પુરાંત દર્શાવતું ફેરફાર કરેલું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં નાણાપ્રધાને ડીટીએચ (ડાયરેકટ ટુ હોમ) પર કનેકશન દીઠ વાર્ષિક રૂ. 200 લેખે મનોરંજન કર લેવાની દરખાસ્ત મુકી છે. આ સિવાય કોઈ જ નવા કરવેરા લાદવામાં આવ્યા નથી કે રાહતો પણ આપવામાં આવી નથી.ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી વજુભાઈ વાળાએ 2009-10ના વર્ષનું ફેરફાર કરેલું અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2009-10ના વર્ષ માટે વાર્ષિક વિકાસ યોજનાનું કદ રૂ. 2૩,275 કરોડ નિયત કરવામાં આવી છે. જેમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂ. 1745.86 કરોડ, ગ્રામીણ વિકાસ માટે રૂ. 846.84 કરોડ, ખાસ વિસ્તાર વિકાસ કાર્યક્રમ માટે રૂ. 116.12 કરોડ.સિંચાઇ અને પૂર નિયંત્રણ માટે રૂ. 5570.20 કરોડ, ઉર્જા માટે 9૩5.50 કરોડ, ઉદ્યોગ અને ખનીજ માટે 752.24 કરોડ, પરિવહન (વાહન વ્યવહાર) માટે રૂ. 2179.25 કરોડ, સંદેશા વ્યવહાર માટે 227.25 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે 117 કરોડ, સામાન્ય આર્થિક સેવાઓ માટે 617.૩૩ કરોડ, સામાજિક સેવાઓ માટે 10150.28 કરોડ અને સામાન્ય સેવાઓ માટે રૂ. 17.1૩ કરોડનો સમાવેશ થાય છે. તેમણે બજેટ પ્રવચનમાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સમુદ્ર ભવિષ્ય માટેની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા અવિરત કામગીરી કરી છે. વર્ષ 2008-09ની રૂ. 21000 કરોડની વાર્ષિક યોજનાની સામે વર્ષ 2009-10ના વર્ષ માટે રૂ. 2૩,275 કરોડની વાર્ષિક યોજનાનું આયોજન કર્યું છે. જે 2,275 કરોડનો એટલે કે 11 ટકા જેટલો વધારો સૂચવે છે. 11 મી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રનો વિકાસદરનો લક્ષ્યાંક 9 ટકા છે જયારે ગુજરાતના આર્થિક વિકાસનો દર 11.2 ટકા રાખવામાં આવ્યો છે. 11મી પંચવર્ષીય યોજનાના પ્રથમ વર્ષમાં જ ગુજરાતે 12.79 ટકાનો ધરખમ વિકાસદર હાંસલ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2007-08 દરમિયાન ચાલુ ભાવે રાજયનો જીએસડીપી (એકંદર ઘરગથ્થુ ઉત્પાદન) રૂ. ૩,06,81૩ કરોડ અંદાજવામાં આવ્યો હતો. જે વર્ષ 2006-07ના સુધારેલા અંદાજ રૂ. 2,62,7૩2 કરોડની સરખામણીએ 16.78 ટકાનો વધારો દર્શાવે છે. રાજયનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન સ્થિર ભાવે રૂ. 2,1૩,674 કરોડ અંદાજવામાં આવ્યું છે. જે વર્ષ 2006-07ના સુધારેલા અંદાજ રૂ. 1,89,4૩6 કરોડન સરખામણીએ 12.79 કરોડની વૃધ્ધિ દર્શાવે છે.તેમણે પોતાના બજેટ પ્રવચનમાં કહ્યું હતું કે સને 2009-10ના વર્ષમાં ફેરફાર કરેલા અંદાજો અનુસાર પુરાંત રૂ. 47.76 કરોડની રહેશે. 2009-10 ના વર્ષ માટે નવા કરવેરા લેવાની દરખાસ્ત રજુ કરું છું. જેમાં ડીટીએચ (ડાયરેકટ ટુ હોમ) ઉપર કનેકશન દીઠ વાર્ષિક રૂ. 200 લેખે મનોરંજન કર લેવો. જેથી રાજય સરકાર વાર્ષિક રૂ. 6 કરોડની આવક મેળવી શકશે. રાજયમાં કેબલ ટીવી ઉપર હાલ મનોરંજન કર લેવામાં આવે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોના સમાજના મહદ્અંશે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કેબલ ટીવીનો લાભ લે છે અને મનોરંજન કર ભરે છે. જયારે ડીટીએચ (ડાયરેકટ ટુ હોમ) પર મનોરંજન કર લેવામાં આવતો નથી. ડીટીએચ કનેકશન સામાન્યતઃ સમૃદ્ધ અને સુખી લોકો દ્વારા લેવામાં આવતું હોય છે. નાણામંત્રી સમક્ષ ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિત જુદાં જુદાં વેપારી મહાજનોએ મૂલ્યર્વિધત વેરામાં ફેરાફાર કરવાની રજુઆત કરી હતી. ઉપરાંત 6ઠ્ઠા પગારપંચનું ભારણ વધવાથી નવા કરવેરા લાદવામાં આવશે એમ લાગતું હતું પણ નાણામંત્રીએ તમામના અનુમાનો ખોટા પાડ્યા છે. તેમજ ખાસ કોઈ રાહત આપ્યા વિનાનું અને નવા કરવેરા નાંખ્યા વિનાનું 2009-10નું અંદાજપત્ર રજુ કર્યું હતું. |