અમદાવાદ લઠ્ઠાકાંડ મામલે ઘટનામાં મોડે મોડે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું નિવેદન આપ્યું છે કે, આ ઘટનાના મૂળ સુધી જવામાં આવશે અને કસુરવારોને છોડવામાં નહીં આવે.તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં જે કમનસિબ દુર્ઘટના સર્જાઇ છે તેના કારણે ગુજરાતને મોટો આંચકો લાગ્યો છે અને વ્યકિતગત રીતે હું પણ અત્યંત પીડા અનુભવું છું. હું ગુજરાતના નાગરિકોને પૂરો વિશ્વાસ આપું છું કે આ રોગના મૂળ સુધી જઇને, તેના કસૂરવાર ગૂનેગારોને ન કલ્પી શકાય એવી સજા અપાવવા આ સરકાર કટીબદ્ધ છે અને એને માટે કોઇ કચાશ રખાશે નહીં. કોંગ્રેસ ઉપર ઇશારો કરતાં તેમણે કહ્યું છે કે, ગુજરાતે અનેક સંકટો જોયેલા છે અને આ સંકટો સામે નાગરિકોની સૂઝબૂઝ અને શાણપણથી આપણે પાર ઉતરેલા છીએ. પરંતુ કેટલાક રાજકીય રંગે રંગાયેલાં તત્વો મોતનો મલાજો છોડીને, રાજકીય પ્રવૃત્તિઓ કરીને સમાજજીવનનું શાંત વાતાવરણ ડહોળવા અને ગુજરાતને અશાંત બનાવવાની મેલીમૂરાદ સેવી રહ્યા છે.મારી નાગરિકોને કરબદ્ધ પ્રાર્થના છે કે, ગુજરાતની વર્ષોજૂની ઘર કરી ગયેલી આ બદીને રોકવા અસરકારક સુધારાત્મક વાતાવરણ ઉભૂં કરવું છે અને રાજ્ય સરકાર આ માટે પ્રતિબદ્ધ છે ત્યારે ગુજરાતની શાંતિને ડહોળવાના પ્રયાસોને જાકારો આપશો, મોતનો મલાજો જાળવવામાં પૂરતો સાથ અને સહયોગ મળી રહેશે એવી વિનંતી કરૂં છું. |