અમદાવાદમાં લઠ્ઠાકાંડના ચોથા દિવસે પણ મોતનો સીલસીલો અવિરત રહ્યો છે. ગત રાત્રે ત્રણ લોકોના ખોખરામાં અને ચામુંડા સ્મશાનગૃહ નજીક એક વ્યકિત અને શારદાબેન હોસ્પિટલમાં બે વ્યકિતઓના મોત થતાં કુલ મૃતકાંક 108 પર પહોંચ્યો છે જ્યારે બિન સત્તાવાર રીતે આ આંકડો 131 જાણવા મળી રહ્યો છે. જ્યારે 194 જેટલા દર્દીઓ હજું સારવાર હેઠળ છે. મધરાતે ખાબકેલા ભારે વરસાદમાં પણ શહેરની હોસ્પિટલોમાં અસરગ્રસ્તો આવવાનો સિલસીલો જારી રહ્યો હતો. મોટી સંખ્યામાં અસરગ્રસ્તો હોસ્પિટલમાં આવી રહ્યા હોવાથી તેમની પુરતી સારવાર માટે તંત્ર પણ નિષ્ફળ નીવળી રહ્યુ છે. જેને કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેમ લાગી રહ્યુ છે.આ ઉપરાંત શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાઓ પૈકી વધુ ૨ વ્યકિતઓના મોત થયા હતા. ગતરાત્રીથી સવાર સુધીમાં ખોખરા, મેઘાણીનગર, ઓઢવ, રખિયાલ, અમરાઇવાડી, હિરાવાડી, બાપુનગર વગેરે વિસ્તારોમાં ઝેરી દારૂના કારણે અસરગ્રસ્ત બનેલા લોકોને મોટાપાયે શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. જો કે શારદાબેન હોસ્પિટલમાં ખાટલાની સંખ્યા ખુટી પડતા રોષ પ્રસરી રહ્યો છે. |