ગુજરાત વિધાનસભામાં લઠ્ઠાકાંડની પ્રણાલિકા અનુસાર ચર્ચા નહીં કરવા દેવા તેમજ કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટની ચેમ્બર સામે આજે બપોરે 12થી 1 દરમિયાન ધરણાં કર્યા હતા.
ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો આજે કામકાજથી વેગળા રહ્યા હતા. ગૃહમાં જયારે પ્રશ્નોત્તરીકાળ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિપક્ષના નેતા શકિતસિંહ ગોહિલના નેતૃત્વમાં અધ્યક્ષની ચેમ્બર સામે જ ધરણાં કર્યા હતા.
ધરણાં દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રો લખેલાં બેનરો ગળામાં લટકાવીને આવ્યા હતા. બેનરોમાં એવા સૂત્રો ટાંકવામાં આવ્યા હતા કે ‘અમારો અધિકાર આપો, લઠ્ઠાકાંડ પર ચર્ચા કરો’ ‘લોકશાહીનું ખૂન ના કરો’ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતને મોદીનું હિટલર ન બનાવો, કોંગ્રેસના ધારાસભ્યોએ એક કલાક ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ની ધૂન બોલાવીને વિપક્ષનો અવાજ અધ્યક્ષ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા.
ધરણાં દરમિયાન વિપક્ષના નેતા શકિતસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના સાંસદો પાર્લામેન્ટમાં ધમાલ કરીને 13 દિવસ સુધી ગૃહ ચાલવા ન દે તો અધ્યક્ષ સસ્પેન્ડ ન કરે અને ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો માત્ર પોતાનો અવાજ ઊઠાવીને સત્ય હકીકતો રજૂ કરે તો તેમને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.
|