' હું ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા તૈયાર છું.' બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચને તાજેતરમાં અહી પોતાની ફિલ્મ 'પા' ના સ્પેશિયલ સ્ક્રિનિંગ બાદ આવી લાગણી વ્યક્ત કરી હતી.
PIB
PIB
ગુજરાતના પાટનગરમાં આ ખાસ શોમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ સહિત 90 લોકોએ ઉપસ્થિત રહી ફિલ્મ જોઈ હતી. ઈન્ટરવેલ દરમિયાન બચ્ચન અને નરેન્દ્ર મોદી સાથે ભોજન લીધું હતું.
ખાસ શો બાદ બચ્ચને મુખ્યમંત્રીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત સુંદર વિકસીત રાજ્ય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યે સર્વાંગી વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રગતિથી હું પ્રભાવિત છું અને ગુજરાત સરકાર પ્રવાસન કે અન્ય વિકાસ અંગે અભિનવ ડોક્યુમેન્ટેશન કરે અને એમાં મારી જરૂરિયાત હોય તો હું ખુશીથી સેવા આપવા તૈયાર છું. મારો સંપૂર્ણ સહયોગ રહેશે.
ખાસ શો અંગે તેમણે જણાવ્યું કે, હું રાજ્ય સરકારને આ ફિલ્મ કરમુક્ત બનાવવા અનુરોધ કરું છું. આ ફિલ્મમાં એવા રોગગ્રસ્ત બાળકની વાત છે જેમને સમાજ સામાન્ય બાળક સમજી ટ્રીટ કરે એવો હું સદેશ આપવા માંગુ છું.
બચ્ચનના અનુરોધને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આ અંગે યોગ્ય દિશામાં આગળ વધશે બન્નેએ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. સ્મૃતિ ચિહ્ન અપાયા હતાં.