ફિચર ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન આજે ફરી ગુજરાતના મહેમાન બન્યા હતા. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત 'ખુશ્બૂ ગુજરાતી' એક ફિલ્મના શૂટીંગ માટે આવેલા અમિતાભ બચ્ચને આજે બપોરે ગાંધી આશ્રમ જઈને બે કલાક સુધી શૂટિંગમાં ભાગ લીધો હતો. બચ્ચનને નિહાળવા માટે ગાંધી આશ્રમ ખાતે તેના પ્રસંશકો, ચાહકોની ભારે ભીડ જામી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર એવા ફિલ્મ અભિનેતા અમિતાભ આજે બપોરે 11.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર પણ બચ્ચનની એક ઝલક મેળવવા એના ચાહકોએ ભારે પડાપડી કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે બચ્ચને હોટલ તાજ રેસીડેંસી ખતે હંકારી ગયા હતા. હોટલમાં થોડો આરામ કર્યા પછી લંચ લીધુ હતુ અને ત્યારબાદ શહેર સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે સફેદ લેંઘા-ઝભ્ભામાં સજ્જ થઈને આવી પહોંચ્યા હતા. જ્યા બે કલાક સુધી શૂટિંગ કર્યુ હતુ.
શહેરના ગાંઘી આશ્રમમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શૂટિંગ માટે આવ્યા હોવાની જાણ થતા જ બચ્ચનના પ્રશંસકો મોટી સંખ્યામાં ગાંધીઆશ્રમ આવી પહોંચ્યા હતા. બચ્ચનના ચાહકો ગાંધી આશ્રમમાં આવીને કોઈ અડચણ ઉભી ન કરે તે માટે કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ટીવી, ન્યુઝ ચેનલોના કેમેરામેન અને પત્રકારોને પણ અંદર પ્રવેશવા દેવાયા ન હતા. સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન તા. 19મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં રોકાણ કરશે. આવતીકાલે અમદાવાદ જિલ્લાના લોથલ તીર્થની મુલાકાત લેશે, જ્યા હડપ્પન સંસ્કૃતિના બેજોડ નમૂના ગણાતા સ્થળે બચ્ચન શૂટિંગ કરશે. ત્યારબાદ પોરબંદર જશે જ્યા કિર્તિમંદિર, દરિયા કિનરાના બીક પર શૂટિંગનુ આયોજન કરવામાં આવશે. આ અગાઉ પણ બચ્ચન ગીર અને કચ્છની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમની મુલાકાતનો આ બીજો રાઉંડ છે.