ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર, સુપર સ્ટાર અમિતાભ બચ્ચન પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત 'ખુશ્બૂ ગુજરાત કી'ના શૂટિંગ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. બીગબીએ ગઈકાલે ગાંધી આશ્રમમાં શૂટિંગ કર્યા પછી આજે સવારે ફરી ગાંઘી આશ્રમમાં જઈને શૂટિંગ કાર્યમાં ભાગ લીધો હતો. બચ્ચનને તેના ચાહકો કોઈ ખલેલ ન પહોંચાડે એ માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે અમિતાભ બચ્ચન પોલીસ પાઈલોટિંગ સાથે ગાંઘી આશ્રમ આવી પહોંચ્યા હતા. અને બપોર સુધીમાં શૂટિંગ કાર્યમાં વ્યસ્ત રહ્યા હતા. ત્યારબાદ અડાલજની ઐતિહાસિક વાવ ખાતે ગયા હતા અને બેનમૂન ગણાતી વાવમાં પ્રવેશ કરીને શૂટિંગ કર્યુ હતુ. અડલાજ અને આજુબાજુના ગ્રામજનો બીગ બી બચ્ચનને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસે પહેલેથી બંદોબસ્ત ગોઠવી દીધો હતો એટલે વાવના કેમ્પસમાં કોઈનેય પ્રવેશ અપાયો ન હતો. અડાલજની વાવમાં શૂટિંગ કાર્ય પૂર્ણ કર્યા બાદ બચ્ચન થોડા આરામ માટે હોટલ તાજ પહોંચ્યા હતા.
ત્યારબાદ સાંજે ગાંઘીનગર ખાતે અક્ષરધામની મુલાકાત લીધી હતી. મંદિરના સંતોએ આશીર્વાદ આપીને આવકાર્યા હતા. બચ્ચને અક્ષરધામમાં વોટર શો પણ નિહાળ્યો હતો. ત્યાં પણ શૂટિંગ કાર્ય કરવામાં આવ્યુ હતુ. આવતીકાલે બચ્ચન પોરબંદર જવા રવાના થશે.