ગુજરાત સરકારને વધુ એક ઝટકો, એંકાઉંટરોની તપાસનો આદેશ
બુધ, 25 જાન્યુઆરી 2012( 16:16 IST )
P.R
ગુજરાત સરકારને વધું એક ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કુલ ગુજરાતમાં થએલાં એન્કાઉન્ટરોની તપાસનાં આદેશ આપ્યાં છે. સુપ્રીમે એક જાહેર હીતની અરજીની સુનાવણી દરમિયાનમાં આ નિર્દેશ આપ્યાં કે 2003 થી માંડીને 2006 સુધીમાં રાજ્યમાં જેટલાં પણ એન્કાઉન્ટરો થયાં છે અને પોલીસની ગોળીથી જેટલાં પણ ઠાર થયાં છે તે બધાની તપાસ થાય. જાહેર હિતની અરજીમાં કુલ રર એન્કાઉન્ટરની તપાસ કરવાની માંગ કરાઇ હતી. હવે કેટલાંક એન્કાઉન્ટરની તપાસ સીબીઆઇ કરી રહી છે.એ સિવાયનાં વર્ષ ર૦૦૩ થી માંડીની ર૦૦૬ સુધીના લગભગ ૭ જેટલાં એન્કાઉન્ટરની તપાસ કરવાનો સુપ્રીમે આદેશ આપ્યો છે.
સુપ્રીમે આ માટે નિવૃત્ત ન્યાયાધિશ એમ. બી. શાહને આ તપાસનો રિપોર્ટ ત્રણ મહીનામાં આપવાનાં નિર્દેશ પણ કર્યાં છે. આ નિર્દેશમાં જસ્ટીસ શાહને પસંદગીના પોલીસ અધિકારીઓની ટીમ બનાવવા પણ જણાવ્યું છે. વધુમાં શાહ ગુજરાત સરકારનાં નિવેદન પણ લઇ શકે છે અને માનવ અધિકાર પંચને પણ તપાસ માટે બોલાવી શકે છે. આ ઉપરાંત ત્રણ માસમાં અપાનારા આ રિપોર્ટમાં પીડિતોને કેટલું વળતર ચૂકવવું તે પણ જણાવવાનું રહેશે.
આ અગાઉ સાદિક જમાલ અને ઇશરત એન્કાઉન્ટર કેસ વખતે ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે આવા મામલાની તપાસ કરવા માટે તેઓ એક ટાસ્ક ફોર્સ બનાવી શકે છે. આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ પદે નિવૃત્ત જજ એમ.બી. શાહ નું નામ સરકાર દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન થયેલાં રર જેટલાં એન્કાઉન્ટરની તપાસ માટે પત્રકાર બી.જે.વર્ગીસે પીટીશન દાખલ કરી હતી. જ્યારે ગીતકાર જાવેદ અખ્તરે ગુજરાતમાં લઘુમતી કોમના લોકોને આતંકવાદી તરીકે દર્શાવીને એન્કાઉન્ટર કરાયાં હોવાનું જણાવી તપાસની માગણી કરી હતી.
જે એન્કાઉન્ટર સામે શંકા છે તેવા એન્કાઉન્ટરોમાં સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌશરબી ઉપરાંત તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. સોહરાબુદ્દીન અને કૌશરબીને 2005માં અમદાવાદમાં જ્યારે તુલસીરામ પ્રજાપતિને 2006માં બનાસકાંઠામાં ઠાર મરાયો હતો. 2004માં ઇશરત જ્હાં ઉપરાંત અન્ય ત્રણને અમદાવાદના કોતરપુર નજીક ઠાર મારવામાં આવ્યાં હતા. વલસાડ નજીક 2005માં દાઉદના સાગરિત હાજી અલી ઇસ્માઇલી સુંભાનિયાને ઠાર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરકત ઉલ મુઝાહિદ્દીનના ચાર આતંકવાદીઓને 2006માં ઠાર મારવામાં આવ્યાં હતા. ઉપરાંત સૌરાષ્ટ્રના એક ગેન્ગસ્ટર રહિમ કાસીમ સુમરાને 7મી જાન્યુઆરી 2006ના રોજ ગાંધીનગરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં ગણેશ ખુંટેને પણ પોલીસે ઠાર માર્યો હતો.