શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 13 મે 2014 (17:28 IST)

આપણે કેમ "હારીશું" તેની ગુજરાત કોંગ્રેસ સમીક્ષા બેઠકમાં આજે ચર્ચા કરશે

લોકસભાની ચૂંટણીનો આખરી તબક્કો પૂર્ણ થતાં હવે પરિણામ પહેલા જ રાજકીય પક્ષોએ લેખા-જોખા શરૂ કર્યા છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારીની મહત્ત્વની બેઠક આજે તા. ૧૩મીને મંગળવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તથા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં મળશે. આ બેઠકમાં ગુજરાત લોકસભાની ૨૬ બેઠકની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ હવે તેની મતગણતરી તા. ૧૬મી મેના રોજ હાથ ધરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસે કરેલા સર્વે મુજબ ગુજરાતની ૨૬ બેઠકોમાંથી કોંગ્રેસને પાંચથી સાત બેઠક મળે તેવી શક્યતા

છે. મંગળવારે મળનારી પ્રદેશ કોંગ્રેસની કારોબારીની બેઠકમાં સંભવિત હાર-જીતના લેખાં-જોખાંની ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત વિધાનસભાની સાત બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ચારથી પાંચ બેઠક મળવાની આશા રાખી રહ્યું છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. એઆઈસીસી દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને સીધું જ ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું પણ કેટલાક ઉમેદવારોએ ચૂંટણી ફંડનો પૂરતો ઉપયોગ નહીં કર્યાની ઘણા બધા કાર્યકરોએ ફરિયાદો કરી હતી. આ ઉપરાંત ઘણા આગેવાનો-કાર્યકરો ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય રહ્યાની ફરિયાદો પણ મળી છે. એટલે પ્રદેશ કારોબારીની બેઠકમાં આ તમામ પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ પ્રદેશ કોંગ્રેસે તમામ જિલ્લા પ્રમુખો પાસે અહેવાલ માંગ્યો હતો. તમામ જિલ્લા પ્રમુખોએ અહેવાલ મોકલી દીધો હતો. પ્રદેશ કારોબારીમાં આ અહેવાલની સમીક્ષા પણ કરવામાં આવશે. આમ પ્રદેશ કોંગ્રેસ કારોબારીની મંગળવારની બેઠક મહત્ત્વની બની રહેશે.