શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (17:21 IST)

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે સરકારની પોલ ખોલી, બિપરજોય વાવાઝોડામાં કેન્દ્રએ રાજ્ય સરકારને કોઈ મદદ નથી કરી

gujarat vidhansabha
આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો હતો કે, બિપરજોય વાવાઝોડામાં ગુજરાતને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્યને કેટલી મદદ કરી છે. ગેનીબેન દ્વારા પુછવામાં આવેલા આ સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 700 કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્ર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી.

બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચોધરી અને શૈલેષ પરમારે પણ ક્રાઈમ રેટ અને મહિલાઓ મામલેની સમિતિને લઈને સરકારને ઘેરી હતી. ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડા બાદ કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી હતી. આ ટીમ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વીજળી અને તેને લગતી સેવાને 909 કરોડથી વધુનું નુકસાન, રોડ અને બિલ્ડીંગ વિભાગને 702 કરોડનું નુકસાન, પોર્ટ અને ટ્રાન્સપોર્ટને 72.72 કરોડનું નુકસાન તો કૃષિને 20 કરોડના નુકસાનની રજૂઆત કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 443 ગામની 19.16 લાખથી વધુ વસતીને અસર થઈ હતી.