રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 મે 2018 (13:08 IST)

ગુજરાતના મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે ફક્ત મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓને જ પ્રવેશ

ગુજરાતમાં સ્નાતક કક્ષાની મેડીકલની ૪૦૦૦ ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮ર૦, હોમિયોપેથીની ૩રપ૦ અને નેચરોપેથીની ૬૦ મળી કુલ ૧૦,૦૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો ઉપર પ્રવેશ માટે રાજયના હોશિયાર વિદ્યાર્થીઓને વધુ લાભ મળે તે માટે મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને જ વર્ષ-ર૦૧૮ થી પ્રવેશ માટે લાયક ગણવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓએ અધિકૃત સક્ષમ અધિકારી દ્વારા અધિનિવાસ પ્રમાણપત્ર (ડોમીસાઇલ સર્ટીફીકેટ) રજૂ કરવાનું રહેશે. 

સ્નાતક કક્ષાએ તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે રાજય સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્નાતક મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથી અને નેચરોપેથીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના નિયમોમાં આ સુધારાઓ કરવાથી રાજયના તેજસ્વી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. તેમણે ઉમેર્યું કે, ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડીયાનું કાર્ડ ધરાવતાં અને મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓ એન.આર.આઇ. બેઠકો ઉપરાંત હવેથી સરકારી બેઠકો પર પ્રવેશ માટે પણ લાયક ગણાશે. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારીનું અધિનિવાસ પ્રમાણપત્ર (ડોમીસાઇલ સર્ટીફીકેટ) રજૂ કરવાનું રહેશે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત બોર્ડ, સેન્ટર બોર્ડ, કાઉન્સીલ ઓફ ઇન્ડીયન સ્કૂલ સર્ટીફીકેટ, એકઝામીનેશન બોર્ડ ઉપરાંત ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ (ઇન્ટરનેશનલ બકાલોરીએટ એન્ડ કેમ્બ્રીજ) તેમજ નેશનલ ઇન્સ્ટીટયુટર ઓફ ઓપન સ્કૂલીંગની  સાથે સંલગ્ન હોય તેવી ગુજરાતમાં આવેલી શાળાઓમાંથી ધોરણ-૧ર પાસ કરેલ વિદ્યાર્થીઓને પણ જો તેઓ નીટ પાસ કરે તો તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર ગણાશે.

મૂળ ગુજરાતના અધિનિવાસી હોય અને રાજય બહાર સેવાઓ આપી રહ્યા હોય તેવા સંરક્ષણના તમામ દળોના કર્મચારીઓ/અધિકારીઓના બાળકો પણ પ્રવેશ માટે પાત્ર ગણાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષમાં પ્રવેશ સમિતિ દ્વારા કોઇ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય અને ફરીથી નીટની પરીક્ષા પાસ કર્યા બાદ અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓએ હાલમાં જે અભ્યાસક્રમ ચાલુ હોય તે અભ્યાસક્રમની ફી રેગ્યુલેટરી કમિટીએ નકકી કરેલી તમામ વર્ષોની ફી ભરીને સંબંધિત સંસ્થા પાસેથી ‘‘ના વાંધા પ્રમાણપત્ર’’ અને અસલ પ્રમાણપત્રો રજૂ કર્યે પ્રવેશ સમિતિ દ્વારા ફરીથી નવો પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે.