રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (13:44 IST)

શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતે કર્યો 360 ડિગ્રી વિકાસ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં ગુજરાત મોખરે

કોઈપણ દેશમાં વિકાસનો સાચો માપદંડ, તે દેશના શિક્ષણ, આરોગ્ય અને રોજગારની સ્થિતિ પર આધારિત હોવો જોઇએ.વિકાસની દ્રષ્ટિએ, આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા છે.તેથી આમાંથી કોઈપણ ક્ષેત્ર સારું હોય કે ખરાબ તેની સીધી અસર અન્ય ક્ષેત્ર પર પડે છે.જો ભારતે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવી હોય તો કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ 2020માં જણાવ્યા મુજબ આપણે આપણી શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર કરવો પડશે અને 'શીખવા' પર વધુ ભાર મૂકવો પડશે.'શીખવા'ની યુક્તિઓ સાથે, દેશની દરેક રાજ્ય સરકારોએ પણ સક્રિયતા દાખવવી પડશે કે નવી શિક્ષણ નીતિ તેની મૂળ ભાવના સાથે સમયસર લાગુ કરવામાં આવે.
 
નોંધનીય છે કે નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.નવી શિક્ષણ નીતિના તમામ પાસાઓનો અભ્યાસ કરીને રાજ્ય સરકારે તેના અમલીકરણની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કર્યો છે.શિક્ષણવિદો માને છે કે નવી શિક્ષણ નીતિ 2020 ગુજરાત માટે સફળ અને યોગ્ય પરિણામો લાવશે અને તેની પાછળ ગુજરાતની એ સિદ્ધિઓ કારણભૂત છે જે ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે સતત સુધારા કરી અને અનેક કામગીરીઓ કરીને મેળવેલી છે.
 
પ્રાથમિક શિક્ષણમાં સુધારો અને નવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના પર અપાયો ભાર
છેલ્લા કેટલાક વર્ષોમાંઆપણે ગુજરાતની સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થામાં ઘણા ચમત્કારિક ફેરફારો જોયા છે. જો આપણે આંકડાઓના આધારે આ ફેરફારોને સમજીએ તો રાજ્યમાં ડ્રોપઆઉટ રેટમાં (વર્ગ 1 થી 8 સુધી) ધરખમ ઘટાડો જોઈ રહ્યા છીએ.વર્ષ 2002માં ડ્રોપ આઉટ રેટ 37.22% હતો, જે 2022માં ઘટીને માત્ર 3.39% થયો છે. આની પાછળ રાજ્ય સરકારની ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને અન્ય ઘણી કલ્યાણકારી યોજનાઓ રહેલી છે, જેણે રાજ્યના ખૂણે-ખૂણે અને છેવાડાના ગામડાઓમાં પણ બાળકોને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
 
એ જ રીતે, શૈક્ષણિક સંસ્થાઓની માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો, ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા 2002માં માત્ર 21 હતી, જે 2022માં વધીને 103 થઈ ગઈ છે,બીજી તરફ, કોલેજોની સંખ્યા પર નજર કરીએ તો ગુજરાતમાં 2002માં 775 કોલેજો હતી જે 2022માં વધીને 3117 થઈ ગઈ છે.એ જ રીતે, ઇજનેરી કોલેજોની સંખ્યા 2002 માં માત્ર 26 હતી, જે વધીને 2022 માં 133 અને પોલિટેક્નિક અને ટેક્નિકલ કોલેજોની સંખ્યા 2002 માં31 અને 108 થી વધીને 2022 માં અનુક્રમે 144 અને 503 થઈ.એ જ રીતે મેડિકલ સીટો પણ 2002માં 1375 હતી, તે વધીને 2022માં 5700 થઈ ગઈ છે.
 
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં ગુજરાત મોખરે
પ્રાથમિક શિક્ષણમાં સુધારા અને વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓની રચનાની સાથે રાજ્ય સરકારે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.આ માટે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું નિર્માણ, એકલવ્ય મોડલ સ્કૂલ, કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ જેવી પહેલ શરૂ કરી હતી.
 
તાજેતરમાં વર્લ્ડ બેંકનું એક પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું, જેમાં તેઓએ આ મિશન અંગે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંની પ્રશંસા કરી હતી અને સમગ્ર પ્રોજેક્ટને ખૂબ જ અસરકારક ગણાવીને 500 મિલિયન ડોલરના ભંડોળને મંજૂરી આપી હતી.વર્લ્ડ બેંકે આ ભંડોળ ઉપરાંત વધારાના 250 મિલિયન ડોલર આપીને કુલ 750 મિલિયન ડોલર સુધીના ભંડોળ માટે પણ તૈયારી દર્શાવી છે. શિક્ષણ ક્ષેત્રમાં પહેલી વાર રોકાણ કરી રહેલી એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંક (AIIB) દ્વારા 250 મિલિયન ડોલરના ભંડોળ અંગેની ચર્ચા પણ અંતિમ તબક્કામાં છે.આ પ્રકારે ગુજરાતે આ મિશન માટે કુલ 1 બિલિયન ડોલરનું ભંડોળ આકર્ષિત કર્યું છે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં આશરે રૂ. 10,000 કરોડનો ખર્ચ કરશે.
 
મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સનો ઉદ્દેશ્ય સ્માર્ટ ક્લાસરૂમ્સ અને STEM લેબ્સ જેવી અદ્યતન ભૌતિક સુવિધાઓ પૂરી પાડીને સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને સ્પર્ધાત્મક અને માળખાકીય રીતે વધુ સારી બનાવવાનો છે.ઉલ્લેખનીય છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.એટલું જ નહીં, શિક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે એક મોટી સિદ્ધિએ પણ છે કે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ 2019-20 મુજબ, ગુજરાત 180 માંથી 152 સ્કોર સાથે દેશમાં 7મું સ્થાન ધરાવે છે. 
 
શિક્ષણ વ્યવસ્થામાં ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા વ્યાપક સુધારો
ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે કે જેણે સરકારી શાળાઓ અને સરકારી ગ્રાન્ટ મેળવનારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરી છે.આ કેન્દ્ર દ્વારા લગભગ 54,000 શાળાઓમાં 3 લાખથી વધુ શિક્ષકો અને 1 કરોડ વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીથી લઈને દરેક વિદ્યાર્થીના શિક્ષણના સ્તર સુધીનો ડેટા આ કેન્દ્રમાં ઉપલબ્ધ છે.આ કેન્દ્ર દ્વારા એ પણ જોવામાં આવે છે કે કયો વિદ્યાર્થી કયા વિષયમાં નબળો છે અને કયા વિષયમાં બાળકને વધુ ધ્યાન આપવાની જરૂર છે.
 
અત્યારસુધી ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવા, તેને સમજવા માટે દેશના શિક્ષણ મંત્રાલયનાસચિવ, સીબીએસઈના અધ્યક્ષ, નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ તેમજ અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યો આવી ચૂક્યા છે અને પોતાના રાજ્યોમાં  પણ શાળા માટે ગુજરાત જેવા જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી સિસ્ટમ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જે ગુજરાત માટે એક મોટી સિદ્ધિ સમાન છે.
 
એટલું જ નહીં, થોડા મહિનાઓ પહેલા વિશ્વ બેંકના અધિકારીઓની ટીમ, OECD ટીમ, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, યુનિસેફ અને કેમ્બ્રિજ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પ્રતિનિધિમંડળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને આ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.વિશ્વ બેંકના ઉચ્ચ અધિકારીઓએ વિશ્વના અન્ય દેશોને ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે માનીને દેશના અન્ય દેશોમાં પણ તેને વિકસિત કરવાનું સૂચન કર્યું હતુ. 
 
એ જ રીતે, શિક્ષણ પ્રણાલીમાં ટેક્નોલોજીના ઉપયોગનું એક ઉત્તમ ઉદાહરણ ગુજરાતની G-Shalaએપ છે.આ એપ રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઈ-લર્નિંગ કન્ટેન્ટ પ્રદાન કરે છે.છેલ્લા 4 મહિનામાં આ એપને લગભગ 30 લાખ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ ગુજરાત સરકારની ગુજરાત એજ્યુકેશન ટેક્નોલોજી લિમિટેડ (GET) કંપની દ્વારા વિકસાવવામાં આવી છે.
 
ગુજરાતને સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું સેન્ટર બનાવવામાં આવ્યું
છેલ્લા બે દાયકામાં, ગુજરાત સરકાર લોકોની એ માન્યતાને બદલવામાં સફળ થઈ છે કે ઉચ્ચ શિક્ષણનો અર્થ માત્ર તબીબી, ટેક્નિકલ અને સામાન્ય વિષયો નથી, જે આપણે સામાન્ય રીતે છેલ્લા 40-50 વર્ષથી જોઈ રહ્યા છીએ, પરંતુ વર્તમાન તેમજ ભવિષ્યની જરૂરિયાત મુજબ, અન્ય ઘણા ક્ષેત્રો છે જ્યાં જ્ઞાન અને કૌશલ્યની જરૂર છે.
ભવિષ્યની આ માંગને સમજીને, ગુજરાતે લગભગ એક દાયકા પહેલા જ આ દિશામાં તેના પગલાં લેવાની શરુઆતકરી દીધી હતી અને રાજ્યમાં ઘણી સેક્ટર સ્પેસિફિક શૈક્ષણિક સંસ્થાઓની લાંબી શ્રૃંખલા સ્થાપિત કરી હતી.રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી અને તાજેતરમાં સ્થાપિત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જેવી સંસ્થાઓ આ શ્રૃંખલાના કેટલાક ભાગો છે, જ્યારે ગુજરાતમાં આવેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા છે જ્યાં ગુનાહિત ફોરેન્સિક વિજ્ઞાન અને તેને લગતા અન્ય વિષયોનો અભ્યાસ કરવાની સુવિધા છે.
 
ગ્લોબલ એજ્યુકેશન હબ તરફ ગુજરાતની આગેકૂચ
સામાન્ય રીતે ઉદ્યોગ અને અર્થશાસ્ત્રમાં અગ્રેસર રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત હવે શિક્ષણ અને કૌશલ્યના ક્ષેત્રે પણ નવી ઓળખ બનાવી રહ્યું છે તેમ કહી શકાય. ગુજરાતની આ સિદ્ધિઓમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મોટો ફાળો છે. તેમના કાર્યકાળ દરમિયાન, જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અનેક મોટા સુધારાઓ કર્યા છે, તો બીજી તરફ તેમણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર બનાવ્યું છે અને ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન હબની હરોળમાં લાવી દીધું છે. નરેન્દ્ર મોદીના એ જ વારસાને આગળ વધારવા માટે વર્તમાન ગુજરાત સરકાર કામ કરી રહી છે.છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ વિશ્વસ્તરીય શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ શિક્ષકો, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ શિક્ષણ પ્રણાલી અને સેક્ટર સ્પેસિફિક શિક્ષણ સંસ્થાઓની સ્થાપના રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આવેલો 360 ડિગ્રી ફેરફાર દર્શાવે છે.