રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: સોમવાર, 31 ઑક્ટોબર 2022 (11:23 IST)

મોરબી પુલ દુર્ઘટનામાં: આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન, આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમ ખડેપગ

મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાને પગલે મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ મોરબીમાં જ રોકાણ કરીને ઘટનાસ્થળે બચાવ ઓપરેશનમાં રૂબરૂ ઉપસ્થિત રહીને  સતત દિશાસૂચન કર્યા હતા. 
 
જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગી હતી. બીજીતરફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના ૪૦ જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી.   
પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગર પાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.  ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવા રાજકોટ, જામનગર, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ મોરબી પાલિકાની મળીને ૨૫ જેટલી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ આખી રાત દોડતી રહી હતી. અનેક ખાનગી એમ્બ્યુલન્સ પણ આ બચાવકાર્યમાં જોડાઈ હતી. સુરેન્દ્રનગરની આર્મીની ટીમ પોતાની ત્રણ એમ્બ્યુલન્સ તેમજ સાધનસામગ્રી સાથે જોડાઈ હતી. 
 
આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની વડોદરાની ત્રણ ટીમ તથા ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના ૧૧૦ સભ્યો હવાઈ તથા જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની જામનગરની બે પ્લાટુન, ગોંડલ તથા વડોદરાની ૩-૩ પ્લાટુનના કુલ ૧૪૯ જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 
 
જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ તથા સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડે પગે રહી હતી. રાજકોટ ફાયરબ્રિગેડની સાત ટીમ ૧૦ બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની ૨ ટીમના ૫૦ ડાઈવર્સે મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના ઓપરેશનમાં જોડાયા હતા. બચાવકાર્યમાં લાગેલી ટૂકડીઓ તેમજ ખડેપગે રહેલા અધિકારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
 
રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સારવાર તેમજ અન્ય બાબતોમાં જિલ્લા તંત્રને સહયોગી થવા ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને મોરબીના પૂર્વ કલેકેટર જે.બી પટેલને ખાસ મોરબી મોકલ્યા છે. દરમિયાન નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બેનિવાલ, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, રાજકોટ જિલ્લાના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો આખીરાત ખડેપગે રહ્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો પણ તંત્રની કામગીરીમાં મદદરૂપ થતા રહ્યા હતા.