રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ઑગસ્ટ 2017 (12:52 IST)

ગુજરાતમાં હવે ત્રીજા મોરચાની શક્યતાઓ, બાપુ ભાજપના જુનાજોગીઓ સાથે હાથ મીલાવશે

ગુજરાતની આગામી ચૂંટણી પણ 1995નું સ્વરૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ મુક્ત દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ અગાઉ એનસીપીના પ્રફૂલ્લ પટેલ, યોગેન્દ્ર મકવાણા, પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા, વિધ્યુત ઠાકર તથા દશરથ પટેલ સહિતના આગેવાનો એક બીજા સાથે હાથ મીલાવીને ગુજરાતમાં ત્રીજો મોરચો ખોલી શકે છે. આ મોરચામાં નીતિશકુમારનું પણ સમર્થન મળી શકે તેમ છે. ગઈકાલે અમદાવાદમાં એક કદાવર નેતાના બંગલે મીટીંગ મળ્યાનું અને આ અંગે ચર્ચા પણ થયાનું મનાય છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે બાપુએ સમ-સંવેદના સમારંભ યોજ્યો તે પહેલા અંગત કામે દિલ્હી જઈ રહ્યાનું કહીને તેઓ એન.સી.પી.ના પ્રફુલ પટેલને મળ્યા હતા અને રાજકીય ચૂંટણી સલાહકાર પ્રશાંત કિશોર ઉર્ફે પીકેને પણ મળ્યા હોવાનું કહેવાય છે ત્યારે આ ત્રીજા મોરચાનો 'પાયો' નખાયાનું રાજકીય ખબરીઓ માની રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતના ચારેક મુખ્ય આંદોલનકારી નેતાઓમાંથી પણ એક કે બે મોટા ગજાના યુવા નેતાઓનો પણ સંભવત સાથ મળી શકે તેવા પણ સંકેતો મળે છે.

આવતીકાલે શંકરસિંહજી વાઘેલાએ પોતાના નિવાસ સ્થાન 'વસંત વગડા' ખાતે ૧૧ વાગ્યે પોતાના અંગત સમર્થકોની એક મહત્વની મીટીંગ બોલાવી છે. જેમા રાજ્યભરમાંથી ટેકેદારો આવશે. આ બેઠકમાં ત્રીજા મોરચા કે ભાજપને સમર્થન તે વાત નિશ્ચિત થઈ જશે તેમ પણ મનાય છે.  રાજકોટ પંડીતો તો એવુ કહી રહ્યા છે કે જો ત્રીજો મોરચો રચાશે તો ભાજપનો પણ આડકતરો સહયોગ મળી રહેશે અને ચૂંટણી દરમ્યાન જો ધારી સફળતા મળે તો આ ત્રીજા મોરચાનો ઝોક ભાજપ તરફી વધુ રહી શકે છે.  ત્રીજા મોરચાના ચક્રો ગતિમાન થયા હોવાનું એક વર્તુળ નહીં પરંતુ અલગ અલગ જુથોમાંથી આ અંગે સંકેતો મળી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના કદાવર દલીત નેતા તરીકે જેમની આગવી ઓળખ હતી અને બાદમાં પોતાનો અલગ રાજકીય પક્ષ રચનાર પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણા ગુજરાતમાં મોટુ બળ ધરાવે છે. યોગેન્દ્ર મકવાણા જો ત્રીજા મોરચામાં જોડાય તો તેઓ દલીત મતદારોને આકર્ષી શકે છે. કોંગ્રેસના એક નારાજ ઠાકોર આગેવાન ત્રીજા મોરચામાં જોડાય તે માટે પણ દાણો દાબી જોવાયો હોવાનું અનુમાન છે ત્યારે વિદ્યુત ઠાકર, સુરેશ મહેતા કે યોગેન્દ્રભાઈ મકવાણાનો સંપર્ક કરવાનો પ્રયાસ અકિલાએ કરતા તેમનો સંપર્ક થઈ શકયો નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શંકરસિંહજી વાઘેલાએ અગાઉ જાહેરાત કરી જ છે કે, તેઓ ભાજપમાં નહી જ જોડાય અને કોંગ્રેસમાંતી પોતાને મુકત કર્યા બાદ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતુ કે 'બા' રિટાયર્ડ થાય 'બાપુ' નહીં. આ ઉપરાંત પખવાડીયા પહેલા પણ બાપુ એ નિર્દેશો આપ્યા હતા કે હું રાજકારણમાંથી નિવૃતિ લેવાનો નથી જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે બાપુ ગુજરાતના રાજકારણમાં મહત્વનુ પરીબળ બનીને પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવશે.