રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (17:31 IST)

વડોદરાના ધારાસભ્યના ભત્રીજાએ શિવમેળામાં સ્ટોલ ધારકો સાથે છેતરપિંડી કરી, મામલો પોલીસ સુધી પહોંચ્યો

મહાશિવરાત્રી નિમિત્તે વડોદરાના નવલખી મેદાનમાં 9થી 18 ફેબ્રુઆરી દરમિયાન શિવમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવમેળામાં હસ્ત કલા, કપડા, જ્વેલરી સહિત વિવિધ ચિજવસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ભાડે રાખનાર કારીગરો અને વેપારીઓએ શિવમેળાના આયોજકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ મુકી ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. સ્ટોલ ધારકો રાવપુરા પોલીસ મથક આવી પહોંચતા વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્યના ભત્રીજા અને આયોજક રાકેશ પટેલ પણ સમાધાન માટે દોડી આવ્યા હતા. સ્ટોલ ધારક મહિલાઓએ આક્ષેપ મુક્યો હતો કે, મહિલાઓ માટે શૌચાલયની પણ સુવિધા આપવામાં આવી નથી. હેન્ડીક્રાફ્ટનો સ્ટોલ રાખનાર એક મહિલાએ જણાવ્યું હતું કે, અમને શિવમેળામાં સ્ટોલ રાખવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઇન્ડેક્ષી દ્વારા જ્યારે આયોજન કરવામાં આવે છે. ત્યારે પ્રતિદિન રૂપિયા 200 પ્રમાણે ભાડુ વસુલ કરવામાં આવે છે. જ્યારે શિવમેળાના આયોજકો દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવેલા કારીગરો અને વેપારીઓ પાસે મનફાવે તેટલું રૂપિયા 6 હજારથી રૂપિયા 15 હજાર સુધીનું ભાડુ વસુલ કરવામાં આવ્યું છે. એ તો ઠીક નવલખી મેદાન ખાતે મહિલા સ્ટોલ ધારકો માટે શૌચાલયની પણ વ્યવસ્થા નથી. અને પાણીની વ્યવસ્થા પણ નથી. એક તરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે. બીજી બાજુ સ્ટોલની આસપાસ ગંદકીના ઢગલા સાફ કરાવવામાં આવ્યા નથી. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના ભત્રીજા અને શિવ મેલાના આયોજક રાકેશ પટેલ 10 દિવસનું વસુલ કરેલ ભાડા પૈકી પાંચ દિવસનું ભાડુ પરત કરે તે માટે અમે રાવપુરા પોલીસ મથકમાં આવ્યા છે. જો રાકેશ પટેલ અમોને ભાડુ પરત નહીં કરે તો અમો પોલીસ ફરિયાદ નોંધાવીશું. એ તો ઠીક અમે પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરીશું. શિવમેળામાં છેતરપિંડીનો ભોગ બનેલ સ્ટોલ ધારકો રાવપુરા પોલીસ મથકમાં આવી પહોંચતા પોલીસ અધિકારીએ આયોજક રાકેશ પટેલને પોલીસ મથકમાં બોલાવ્યા હતા. અને સમાધાન કરાવવા માટે પ્રયાસ કર્યા હતા. જોકે, રાકેશ પેટલે માત્ર 4 દિવસનું ભાડુ આપવાની તૈયારી બતાવી હતી. જેનો સ્ટોલ ધારકોએ ઇન્કાર કરી દીધો હતો.