રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:14 IST)

ગુજરાતમાં ૪૫૩ લોકોએ ધર્મ પરિવર્તન કરવા અરજીઓ કરી

ગુજરાતમાં સામાજિક સહિત અનેક કારણોસર લોકો અન્ય ધર્મ અપનાવવા લોકો પ્રેરાઇ રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૪૫૩ જણાંએ ધર્મ પરિવર્તન કરવા માટે સરકાર સમક્ષ અરજીઓ કરી હતી. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, દરેક ધર્મના લોકો પોતાના ધર્મમાં શ્રધ્ધા રાખે તેવુ વાતાવરણ રાજ્યમાં ઉભુ થઇ શક્યુ નથી. રાજ્યમાં સૌથી વધુ ધર્મ બદલવા માટે બનાસકાંઠામાં ૧૯૪ અરજીઓ થઇ હતી તે પૈકી સરકારે માત્ર ૨ જણાને જ ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી છે.સુરેન્દ્રનગરમાં પણ ૫૫ જણાં અન્ય ધર્મ અપનાવવા સરકારને અરજી કરી હતી. આ તમામ અરજીકર્તાને સરકારે ધર્મ પરિવર્તન માટે લીલી ઝંડી આપી હતી.

ગુજરાતમાં કુલ મળીને ૧૭૧ જણાંને ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી હતી. જોકે, મહિસાગર,તાપી,ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં ધર્મ પરિવર્તનની એકેય અરજી થઇ ન હતી. ૪૦૨ હિંદુઓ જયારે ૩૫ મુસ્લિમોએ ધર્મ બદલવા સરકાર સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી. એક શીખ અને ૯ ખ્રિસ્તીઓએ પણ અન્ય ધર્મ અપનાવવા અરજીઓ કરી હતી.આમ, ધર્મ પરિવર્તનની અરજીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુઓ જે ધર્મપરિવર્તન કરે છે તે મહદઅંશે બૌધધર્મ તરફનું હોય છે.