રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (18:50 IST)

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની કામગીરીની બેટ દ્વારકામાં સમીક્ષા કરી
 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના આ પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી. ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ કર્યું હતું. 
 
દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે.સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે. ગુજરાતના દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે. 
 
ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરાઈ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.