જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ માણસો બદલાતા જાય છે, તેમનો વ્યવ્હાર, તેમની જીવનશૈલી બધુ જ બદલાતુ જાય છે. સામાન્ય રીતે વડીલો એવી જ વાતો કરતા હતા કે અમારા સમયમાં તો આવુ હતુ ને, તમારે તો આવુ છે. ફેરફાર તો કુદરતનો નિયમ છે તો પછી તેમાંથી માણસ કેમ અળગો રહે ? પરંતુ જ્યા સુધી તહેવારોની વાત કરીએ ત્યાં સુધી તો એટલુ તો છે જ કે આજે પણ તહેવારો ઉજવવાનો ઉલ્લાસ અને ઉમંગ બધામાં એટલો જ છે. દિવાળી, હિન્દુઓનો સૌથી મોટો તહેવાર, જેની દરેક ઘરમાં આજે પણ એટલી જ રાહ જોવાતી હોય છે. નાનકાંથી માંડીને મોટેરાંઓ બધા જ આ તહેવારનુ ઉમળકાથી સ્વાગત કરે છે. આજે ઉત્સવો પાછળ અઢળક નાણાં ખર્ચવામાં આવે છે. આજના વિકસતા યુગમાં માણસ પાસે બધા જ આનંદ પ્રમોદના સાધનો છે તેમ છતાં જે ખાસિયત આજથી વીસ કે ત્રીસ વર્ષ પહેલા હતી તે આજે ભાગ્યે જ જોવા મળે છે. આજના સમયમાં લોકોની દિવાળી ઉજવવાની રીત જોઈને ક્યારેક એવું લાગ છે કે શુ આપણે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છે ? આજે દિવાળીનુ સ્વાગત કરવાની રીત બિલકુલ ત્રાસદાયી લાગે છે. એ છે બોમ્બ વિસ્ફોટ જેવો ભય જગાવનારા ફટાકડાં. દર વર્ષે ફટાકડાંઓમાં પણ વિવિધતાનો જોડ નથી. શુ આ ફટાકડાં નવવર્ષના આગમનુ સુરીલુ ગીત છે ?તો પછી કેમ લોકો દિવાળીના દિવસે ફટાકડાને વધુ પડતુ મહત્વ આપે છે. ફટાકડાંના અવાજથી લોકોની શ્રવણ શક્તિને નુકસાન થાય છે. નાના બાળકો ગભરાય જાય છે. વૃધ્ધ બીમારોને વધુ તકલીફ ઉભી થાય છે, અને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય તે પાછુ જુદુ જ. ફટાકડાં ફોડનારને પણ કેટલો ભય રહે છે, ખબર નહી કયો ફટાકડું ક્યારે અવળું ફૂટે કે ઉડીને આવે. અગાઉમાં દિવાળી-બેસતું વર્ષ-ભાઈબીજના તહેવારોમાં દારૂખાનું ફુટતું હતું, ફટાકડાની ખરીદીમાં પણ એક પસંદગીની દ્રષ્ટિ હતી. આજે તો એક જ વાત જોવા મળે છે. ઘોંઘાટની હરીફાઈ અને આંખ બાળે તેવા ભડકાની હરીફાઈ ! અગાઉ જે શાંત તેજ હતું, પ્રસન્નતા હતી, ધીમી ગતિ હતી, ઉજવણીમાં જે શોભા-સંયમ હતા તે આજે કયાં છે ? |
|