ભારતની અંદર વિવિધ પ્રકારના લોકો દ્વારા વિવિધ પ્રકારના કેટલાયે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી ભારતનો જો સૌથી વધારે લોકપ્રિય અને ધાર્મિક તહેવાર હોય તો તે છે દિવાળી. દિવાળીના એક મહિના પહેલાં જ લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. અને આ એક માત્ર એવો તહેવાર છે કે બધા જ ધર્મના લોકો આનો આનંદ લે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આનું દરેક ધર્મની અંદર અલગ અલગ મહ્ત્વ છે. તો આવો જુદા જુદા ધર્મની દ્રષ્ટિએ તેનું મહત્વ જોઈએ- કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રીરામ અયોધ્યા પધાર્યા હતાં. 14 વર્ષના વનવાસ બાદ સીતાને રાવણની પાસેથી છોડાવીને રાવણને યુદ્ધમાં પરાસ્ત કર્યા બાદ પ્રભુ શ્રીરામ આ દિવસે અયોધ્યા પધાર્યા હતાં. અને અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગતમાં આખી આયોધ્યાનગરીને દિવાઓથી શણગારી દિશી હતી. એક લોકવાયકાનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે અત્યાચારી રાજા નરકાસુરનો વધ કર્યો હતો. તેનો વધ કર્યા બાસ લોકોની અંદર ખુશી પ્રસરી ગઈ હતી અને લોકોએ ઘીના દિવા કર્યા હતાં. એક અન્ય લોકવાયકા અનુસાર શ્રી વિષ્ણુએ આ દિવસે નરસિંહરૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો અને લોકોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી વળી આ દિવસે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું અને લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતાં. શીખ લોકો માટે પણ દિવાળી ખુબ જ મહત્વની છે કેમકે 1619માં આ જ દિવસે તેમના છઠ્ઠા ગુરૂ હરગોવિંદસિંહજીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમના ગુરૂને ગ્વાલિયરની જેલમાં કેદ કરીને રાખ્યા હતાં અને આ દિવસે તેમને અન્ય 52 રાજાને પણ તેમની સાથે મુક્ત કરવડાવ્યાં હતાં તેથી શીખ લોકો આ દિવસે ગુરૂ હરગગોવિંદસિંહજીની પાછા આવવાની ખુશીમાં દિવાળી ઉજવે છે અને આ દિવસને તેઓ બંધી છોડ દિવસના નામે ઓળખે છે. આ દિવસે જૈનોના ચોવીસમાં તીર્થકર સ્વામી મહાવીરનો નિર્વાણ દિવસ દિવાળીના દિવસે જ હોય છે.વળી નેપાળની અંદર પણ આ દિવસે નવું વર્ષ શરૂ થાય છે એટલે નેપાળી લોક પણ આ દિવસને ખુબ જ ધામધુમથી ઉજવે છે. |
|