એક દિવાને સળગવા માટે તેને તેલમાં ડુબેલ રહેવું પડે છે અને સાથે સાથે બહાર પણ રહેવું પડે છે. જો બત્તી તેલમાં ડુબી જાય તો તે પ્રકાશ નથી આપી શકતી. જીવન પણ દિવા જેવું છે, તમારે સંસારમાં રહીને પણ તેની પર નિષ્પ્રભાવિત રહેવું પડે છે. જો તમે પદાર્થ જગતની અંદર ડુબેલા રહેશો તો જીવનનો આનંદ અને જ્ઞાન નહી મેળવી શકો. સંસારમાં રહેવા છતાં પણ સાંસારિક માયાથી ઉપર ઉઠીને જ આપણે આનંદ અને જ્ઞાનનો જ્યોતિ પ્રકાશ બની શકીશું.
આ રીતે જ્ઞાનના પ્રકાશ દ્વારા પ્રગટ થવાનો ઉત્સવ જ દિવાળી છે. દિવાળી બદી પર નેકીનો, અંધારા પર અજવાળાનો અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનો તહેવાર છે. આ દિવસો દરમિયાન ઘરમાં જે પ્રકાશ કરવામાં આવે છે તે માત્ર શણગાર પુરતો જ નથી હોતો પરંતુ તે જીંદગીના સત્યને પણ ઉજાગર કરે છે. દરેકના હૃદયમાં જ્ઞાન અને પ્રેમનો પ્રકાશ પ્રજ્વલિત કરો અને દરેકના ચહેરા પર હાસ્ય લાવો.
દરેક મનુષ્યની અંદર સારા સદગુણ હોય છે. તમારા દ્વારા કરવામાં આવતો દરેક દિવો તેનું પ્રતિક છે. કોઈની અંદર ધૈર્ય હોય છે, કોઈમાં પ્રેમ, શક્તિ, ઉદારતા અને ઘણાંમાં લોકોની સાથે હળી-મળીને ચાલવાની ક્ષમતા હોય છે. તમારી અંદર રહેલો અવ્યક્ત સદગુણ દિપક સમાન છે. માત્ર એક જ દિપક પ્રગટાવીને ખુશ ન થશો, હજારો દિપક પ્રગટાવો કેમકે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે કેટલીયે જ્યોત પ્રગટાવવી પડશે. જ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત થવાથી આત્મસ્વરૂપ રૂપી બધા જ પાસા જાગૃત થઈ જાય છે અને તેમનું જાગૃત થવુ અને પ્રકાશિત થવું તે જ દિવાળી છે.
જીવનનું એક ખાસ રહસ્ય દિવાળીના ફટાકડા ફોડવા સમાન છે. જીંદગીમાં તમે ઘણી વખત ફટાકડાની જેમ તમારી અંદર છુપાયેલી ભાવનાઓ, કુંઠાઓ અને ક્રોધને લીધે ખુબ જ જ્વલનશીલ રહો છો- હંમેશા ફુટવા માટે તૈયાર. પોતાના રાગ, દ્વેષ, ધૃણા વગેરેને દબાવીને ફુટવાની તે સ્થિતિ સુધી પહોચી જાવ છો કે તે ગમે ત્યારે ફુટે. ફટાકડા ફોડવાની પ્રથા આપણા પુર્વજો દ્વારા આપણી અંદર દબાયેલી કેટલીયે ભાવનાઓમાંથી મુક્તિ મેળવવાનો એક સુંદર મનોવૈજ્ઞાનિક ઉપાય છે. જ્યારે તમે બહાર થતાં વિસ્ફોટને જુવો છો ત્યારે અંદર પણ એવી જ અનુભૂતિ થાય છે, વિસ્ફોટની સાથે પ્રકાશ પૂંજ પણ થાય છે અને તમે તમારી દબાયેલી ભાવનાઓથી મુક્ત થઈ જાવ છો અને પછી તમારી અંદર શાંતિનો ઉદય થાય છે.
N.D
પોતાના નિત નૂતન અને ચિર પુરાતન સ્વાભાવનો અનુભવ કરવા માટે આ દબાયેલી ભાવનાઓથી મુક્ત થવુ અતિ જરૂરી છે. દિવાળીનો અર્થ છે વર્તમાન ક્ષણમાં જીવવું, અત: અતીતનો પછતાવો અને ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાન ક્ષણમાં જીવો.
સેવા ભાવ વગર દરેક ઉત્સવ અધુરો છે. પરમાત્માએ જે કંઈ પણ આપણને આપ્યું છે તે પ્રસાદને આપણે સૌની વચ્ચે વહેચવાનો છે કારણ કે, જેટલું વેંચશો એટલી જ તેની કૃપા વધુ વરસે છે. દીવાળીનો સાચો અર્થ એ જ છે.
ઉત્સવનો એક અન્ય અર્થ પણ છે -આપણા મતભેદોને ભૂલીને અદૈત આત્માની જ્યોતિથી આપણા સચ્ચિદાનંદ સ્વરૂપમાં વિશ્વામ કરવો. દિવ્ય સમાજની સ્થાપના માટે દરેકના હૃદયમાં જ્ઞાન અને આનંદની જ્યોત પ્રગટાવવી પડશે અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે એક સાથે મળીને જ્ઞાનનો ઉત્સવ ઉજવીશું.
ગત વર્ષના ઝગડા અને નકારાત્મકતાઓને છોડીને સ્વયંની અદર રહેલા જ્ઞાન પર પ્રકાશ નાખીને એક નવી શરૂઆત કરવી એ જ દીવાળીનો ઉત્સવ છે જ્યારે સાચું જ્ઞાન ઉદિત થાય છે ત્યારે ઉત્સવ થાય છે. મોટાભાગના તહેવારોમાં આપણે આપણી સજગતા અને એકાગ્રતાને ગુમાવવા લાગીએ છીએ. તહેવારોમાં સજગતા રાખવા માટે આપણા ઋષિઓએ પ્રત્યેક ઉત્સવને પાવન બનાવીને પૂજા વિધિઓ સાથે જોડી દીધો. એટલા માટે દિવાળીની પણ પૂજા થાય છે. દિવાળીનો આધ્યાત્મિક પહેલું ઉત્સવમાં ઉંડાણ લાવે છે. પ્રત્યેક ઉત્સવમાં આધ્યાત્મ હોવું જોઈએ કારણ કે, આધ્યાત્મ વિના ઉત્સવ રસવિહોણો છે.
જે જ્ઞાનમાં નથી તેના માટે વર્ષમાં એક વખત જ દિવાળી આવે છે પરંતુ જે જ્ઞાની છે તેના માટે પ્રત્યેક દિવસ, પ્રતિક્ષણ દિવાળી છે. આ દિવાળીને જ્ઞાન સાથે ઉજવો અને માનવતાની સેવા કરવાનો સંકલ્પ લો. આપના હ્રદયમાં પ્રેમનો દીપક પ્રગટાવો, ઘરમાં સમૃદ્ધિનો દીપક પ્રજ્જવલિત કરો, અન્ય લોકોની સેવા માટે કરુણાનો દીપક પ્રગટાવો, અજ્ઞાનના અંધકારને નાબૂદ કરવા માટે જ્ઞાનનો દીપક પ્રગટાવો અને આપણને દિવ્યતા દ્વારા આપવામાં આવેલા સમ્પન્નતા માટે શુક્રાનેનો દીપક પ્રગટાવો.