ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પુષ્પાવતી નદીના કિનારે આવેલું પ્રાચીન ગણપતિ મંદિર અનેરૂ છે, આ મંદિરમાં સ્થાપિત ગણપતિની મૂર્તિ ધાતુ કે લાકડામાંથી બનાવાઇ નથી. પરંતુ રેણું (માટી)માંથી બનાવેલી છે. આ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા પ્રાચીન ગણપતિ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે. ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે. રેણુની ડાબી બાજુ સૂંઢવાળા આ ગણપતિમાં શ્રધ્ધાળુઓને ભારે આસ્થા છે. આ મંદિર પ્રાચીન કાળમાં દેવોએ માટીમાંથી બનાવ્યું હોવાનું મનાય છે. આ મૂર્તિ પાંડવકાળની હોવાનું પણ માનવામાં આવે છે. સાથોસાથ આ મંદિરમાં ગણપતિદાદા સાથે શિવલીંગ, માતા પાર્વતીજી તથા શેષનાગની પણ સ્થાપના કરાઇ છે.
આ મંદિરની લોકવાયકા આ મુજબ છે, એક વખતે દેવોનો લગ્ન પ્રસંગ હતો. જેમાં દેવદેવીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પરંતુ વાંકીચુકી સુંઢવાળા ગણપતિને આમત્રંણ અપાયું ન હતું. જેને લઇને ગણપતિ કોપાયમાન થયા હતા. આ જાન ઊંઝા-ઐઠોર વચ્ચેથી પસાર થઇ રહી હતી. ત્યાં તમામ રથ ભાંગી પડ્યા અને કેમેય કરીને ત્યાંથી હલતા ન હતા. બાદમાં ગણપતિને આમત્રંણ અપાયું ન હોવાથી તેમનો કોપ દેવો પર ઉતર્યો હોવાનું માલુમ પડતાં સૌ કોઇએ ભગવાન ગણેશને મનાવવાનો સંકલ્પ કર્યો અને પુષ્પાવતી નદીને કિનારે પૂજ્ન અર્ચન કરવા માટે માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી આરાધના કરી હતી અને સો કોઇએ દરેક શુભ કાર્યમાં ગણેશની પૂજા કરવાનું તથા સ્મરણ કરવાનું નક્કી કર્યું.
આ પ્રસંગને યાદ કરતાં આજે પણ અહીં હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ સિવાય દરેક માસની ચોથના દિવસે અહી દર્શનાર્થે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે. આ ઉપરાંત અહીં ચૈત્ર સુદ ત્રીજ. ચોથ અને પાંચમના દિવસે શુકન જોવામાં આવે છે.