ભગવાન ગણેશને આજની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય એવું બની શકે ખરૂ ? હા આ હકીકત છે, ગાયકવાડી સમયથી મહેસાણાના સિધ્ધિ વિનાયકના મંદિરમાં પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગજાનનને પોલીસ દ્વારા સલામી આપવામાં આવે છે. જે પરંપરા આજે જોવા મળે છે.
શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રાચીન સમયનું છે. સાથોસાથ આ મંદિરની ખાસીયત એ છે કે આ મંદિરમાં બિરાજમાન ગજાનન જમણી સૂંઢવાળા છે. સામાન્યરીતે અન્ય મંદિરોમાં ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય છે. એક માન્યતા પ્રમાણે જમણી સૂંઢવાળા ગણપતિ વધુ શુકનવંતા માનવામાં આવે છે. જમણીબાજુ સૂંઢ ધરાવતા આ સિધ્ધિ વિનાયક મંદિરમાં શ્રધ્ધાળુઓની આસ્થા અનેરી છે તો સાથોસાથ આ મંદિર પ્રત્યે રાજઘરાના સાથે અનેરો સંબંધ છે.
ગાયકવાડ સમયમાં આ મંદિરની જહોજહાલી મધ્યાહને હશે એવું કહેવું અનુચિત નથી. કારણ કે આ મંદિરમાં બિરાજમાન સિધ્ધિ વિનાયકથી પ્રભાવિત થયેલા ગાયકવાડ સરકારે એ વખતથી પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ સલામી આપવાનો પ્રારંભ કર્યો હતો. જે પરંપરા આજે પણ વર્ષો બાદ ચાલી આવે છે. આ દિવસે અહીં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે. ગણેશ પૂજન સાથોસાથ પાંચ દિવસ સુધી ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ દિવસે શહેરમાં સથાપન થનાર ગણપતિની મૂર્તિઓને અહી લાવ્યા બાદ જ જે તે જગ્યાએ લઇ જવામાં આવે છે. જે પણ એક ખાસીયત છે. આ પ્રસંગમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યાંમાં જોડાય છે.