ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.
પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, 'ન તુલસ્યા ગણાધિપમ' એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, 'ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા' એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી.
ભગવાન શંકર પર ફૂલ ચઢાવવાનું ખુબ જ મહત્વ છે. તપ: શીલ સર્વગુણ સંપન્ન વેદમાં કોઈ નિષ્ણાંત બ્રાહ્મણને સો સુવર્ણ દાન કરવા પર જે ફળ પ્રાપ્ત થાય છે, તે શિવ પર સો ફૂલ ચઢાવવાથી પ્રાપ્ત થઈ જાય છે.
ભગવાન વિષ્ણુ માટે જે જે પત્ર-પુષ્પ જણાવવામાં આવ્યાં છે, તે બધા ભગવાન શીવને પણ પ્રિય હોય છે. માત્ર કેવડાનો જ નિષેધ છે. શાસ્ત્રોએ પણ અમુક ફૂલો ચઢાવવાથી શું ફળ મળે છે તેના વિશે જણાવ્યું છે.
જેવી રીતે દસ સુવર્ણ દાનનું ફળ એક આકડાનું ફૂલ ચઢાવવાથી મળે છે, તેવી રીતે હજાર આકડાના ફૂલનું પુણ્ય એક કરેણનું ફૂલ ચઢાવવાથી મળે છે અને હજાર કરેણનું પુણ્ય એક બિલ્વ પત્રથી મળે છે. બધા જ ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ છે નીલકમળનું ફૂલ.
ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.